ભાયાવદરના ડેમમાંથી બે માસ પૂર્વે મળેલી લાશનો ભેદ ખુલ્યો, છેડતી કરનાર યુવકની હત્યા થયાનો ઘટસ્ફોટ
ત્રણ દિવસ પૂર્વે ચાર્જ સંભાળનાર પી.આઇ વી.એમ. ડોડિયાને મળેલી એક કડીના આધારે રહસ્ય ઉપરથી પડદો ઊંચકાયો, યુવાનની હત્યા કરનાર ત્રિપુટી સામે ગુનો નોંધાયો
ભાયાવદરના જામવાડી ચેકડેમમાંથી બે માસ પૂર્વે મળેલી એક યુવાનનું ડૂબી જવાથી મોત થયાના બનાવમાં ત્રણ દિવસ પૂર્વે ચાર્જ સંભાળનાર પી.આઈ વી.એમ.ડોડીયાએ ઊંડાણપૂર્વકની તપાસમાં કરતા આ બનાવમાં યુવાનનું ડૂબી જવાથી નહી પણ હત્યા થયાનું ખુલ્યું હતું.જે મામલે ભાયાવદર પોલીસે મૃતકના ગામના જ ત્રણ શખ્સો સામે ગુનો નોંધી એમપીની ત્રિપુટી ની શોધખોળ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ ગત 29 ડીસેમ્બરના રોજ ભાયાવદના જામવાડી ચેકડેમમાંથી એક યુવકની લાશ મળી હતી જે અંગે પોલીસે તપાસ કરી યુવકનું ડૂબી જવાથી મોત થયાનું પ્રાથમિક નોધ કરી તપાસ કરતા આ લાશ મૂળ મધ્યપ્રદેશના ગૌરીદળ ગામે મગનભાઈ પટેલની વાડીમાં રહેતા મુનાભાઈ ઉર્ફે મોહનભાઈ નરસિંહભાઈ બામનીયાના 35 વર્ષીય પૂત્ર દીતીયાની હોવાનું ખુલ્યું હતું. ફોટા અને કપડા ઉપરથી પિતાએ પુત્રની લાશ ઓળખી બતાવી હતી અને રાજકોટમાં તેની અંતિમવિધિ કરી હતી અને દીતીયાનું ડૂબી જવાથી મૃત્યુ થયાનું જે તે વખતે જાહેર થયું હતું.દરમિયાન ત્રણ દિવસ પૂર્વે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ચાર્જ સંભાળનાર વી એમ ડોડીયાએ જૂની ફાઈલની તપાસ કરતા આ બનાવ શંકાસ્પદ જણાતા ઊંડાણપૂર્વકની તપાસ કરતા આ બનાવ આકસ્મિક મોત નહિ પરંતુ હત્યાનો હોવાનું ખુલ્યું હતું. દીતીયાની હત્યામાં મૂળ મધ્યપ્રદેશના અને હાલ બાબરાના કાલીવાવ રહેતા ધારજી ફતીયાભાઈ ગુલશનભાઈ બમીનીયા,વિક્રમ મેથુભાઈ વાખલા અને વિજય સંગોડીયાનું નામ ખુલ્યું હતું. બનાવના દિવસે રમેશભાઈ કાછડીયાની વાડીમાં ઉપરોક્ત ત્રણેય કામ કરતા હોય ત્યાં ગયો હતો ત્યાં ત્રણેયે દીતીયાની ગળેફાંસો આપી હત્યા કરી લાશ ડેમમાં ફેકી દીધી હતી.
મૃતક દીતીયાએ ધારજી ફતીયાની પત્નીનો હાથ પકડતા છેડતી કરી હોય જેનો ખાર રાખી તેની હત્યા કર્યા નું ખુલ્યું હતું. આ મામલે ગૌરીદળ ગામે મગનભાઈ પટેલની વાડીમાં રહેતા મૂળ એમપીના મુનાભાઈ ઉર્ફે મોહનભાઈ નરસિંહભાઈ બામનીયાની ફરિયાદને આધારે ધારજી ફ્તીયાભાઈ ગુલશનભાઈ બામનીયા, વિક્રમ મેથુભાઈ વાખલા અને વિજય સંગોડીયા સામે ફરિયાદ નોંધવતા પોલીસે ગુનો નોંધી નાસી છુટેલ ત્રિપુટીની શોધખોળ હાથ ધરી છે.