આશરો આપનાર હવસખોર શખ્સે જ પ્રેમી પંખીડાને પતાવી દીધા
લગ્નના આગલા દિવસે જ પ્રેમી સાથે ભાગી’તી: ડાકોરથી આરોપી બંનેને મહુવાના મહિસા ગામે લઇ ગયો
આજની રાત અહીં રોકાવો કહી રાતે યુવતી ઉપર દુષ્કર્મ આચરી બંનેની હત્યા નિપજાવી
ખેડા જિલ્લામાં ગતરોજ ચકચારી રેથ વિથ ડબલ મર્ડરની ઘટના બની હતી. મહુધા તાલુકાના મહિસામાં ખેતરમાંથી મળેલા બે મૃતદેહોમાં પોલીસે આ ડબલ મર્ડર મિસ્ટ્રીને ગણતરીના કલાકોમાં જ ઉકેલી દીધી છે. પોલીસે ડાકોરના સીસીટીવીના આધારે એક ઈસમ બાઈક પર આ પ્રેમીપંખીડાને બેસાડી જતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી તેની પુછપરછ કરતા બંન્ને પ્રેમીપંખીડા ડાકોરમાં આશરો શોધતા હતા ત્યારે આરોપીએ કાવતરૂ રચી આશરો આપવાના બહાને બંનેને મહીસા ગામની સીમમા લઇ જઇ ખેતરની ઓરડીમાં આશરો આપ્યો હતો. બાદમાં તેણે જ રાત્રે ઘસી જઇ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારી બંન્ને હત્યા નીપજાવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મૂળ મહિસાનો અને પંચમહાલ જિલ્લાના મોરવા હડફના વંદલીમા રહેતો પ્રકાશ ઉર્ફે પકો ચંદુ નિનામા (હાલ રહે.ઠાસરાના ખિજલપુર) ડાકોરમાં આ પ્રેમી પંખીડાને મળ્યો હતો. યુવતીના લગ્ન હોય અને તેને ગામના અજય નામના યુવક સાથે પ્રેમ સબંધ હોય, તે લગ્નના આગલા દિવસે જ પ્રેમી સાથે ભાગી નીકળી હતી. બંને આશ્રયની શોધમાં હતા. આ દરમિયાન આ ઠાસરાના ખીજલપુરના પ્રકાશ નિનામા ડાકોરમાં તેમને મળ્યો હતો. જ્યાં આ પ્રેમી યુગલ રહેવા માટે આશ્રય શોધતું હોય, તેનો લાભ ઉઠાવી રહેવા માટે આશ્રય આપશે તેવી વાત કરી હતી.
બાદમાં આરોપીએ પ્રેમીપંખીડાને બાઇક પર બેસાડી ડાકોરથી અલીણા થઇ મહિસા ગામે લઇ ગયો હતો જયા તેણે ખુલા ખેતરમાં આવેલી ઓરડીમાં આશરો આપી ‘આજની રાત અહીં વિતાવી લો કાલે બીજે સારી વ્યવસ્થા કરી આપીશ’ તેમ કહી જતો રહ્યો હતો બાદમાં રાત્રીના આવી પ્રકાશે પહેલા યુવક પર હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતાર્યો હતો અને બાદમાં યુવતી પર પણ હુમલો કર્યો હતો. ત્યારબાદ આરોપીએ યુવતી પર અર્ધબેભાન અવસ્થામાં દુષ્કર્મ આચર્યું હતું. તે બાદ યુવતીને પ્રાઇવેટ પાર્ટ પર ઈજાઓ પહોંચાડી હતી અને તેને પણ મોતને ઘાટ ઉતારી હતી.
પ્રકાશ નિનામાના પ્રથમ લગ્ન તૂટી ગયા છે અને બીજા લગ્નમાં પણ પત્ની સાથે અણબનાવ હોવાથી જુદી રહે છે. તેના કારણે તેને આ યુવતી સાથે શારીરિક સબંધો બાંધવાના હેતુસર આ કૃત્ય આચર્યુ હોવાનું જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું છે.
આરોપી મહિસાના ભૂગોળથી વાકેફ હતો આરોપી મહિસામા રહ્યો હોય તે મહિસાની તમામ સ્થાનોથી પરિચિત હતો. જેથી અત્રે આ પ્રેમી યુગલને લઈ આવ્યો હતો. આરોપી છૂટક મજૂરી કરે છે. અને પોલીસ તેના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.