સોરઠિયા વાડી સર્કલ નજીક એક્ટિવાચાલક મહિલાના સોનાના ચેનની ચીલઝડપ
શહેરનાં 80 ફુટ રોડ પર સોરઠીયા વાડી સર્કલ નજીક રાત્રીનાં સમયે એકટીવા લઇ ઘરે જતી મહીલાનાં ગળામાથી અજાણ્યા બાઇક પર આવેલી સમડીએ ઝોંટ મારી સોનાનાં ચેઇનની ચીલઝડપ કરી નાસી ગઇ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ 80 ફુટ રોડ પર સત્યમ પાર્ક શેરી નં ર મા સાંતમ વિલા એપાર્ટમેન્ટમા રહેતા હિરલબા બળદેવસિંહ પરમાર (ઉ.વ. 4ર) નામના મહીલા ગત તા. 4 નાં રાત્રે રેસકોર્સ ખાતે ગયા હતા ત્યાથી રાત્રીના બારેક વાગ્યાનાં અરસામા એકટીવા લઇ પરત ઘરે આવતા હતા ત્યારે 80 ફુટ રોડ પર સોરઠીયા વાડી સર્કલથી આગળ નાગરીક બેંક પાસે પહોચતા અજાણ્યા ડબલ સવારી બાઇકમા આવેલા શખસોએ તેના ગળામા ઝોંટ મારી રૂપીયા 41500 નો સોનાનો ચેઇન ચીલઝડપ કરી બાપુનગર તરફ નાસી ગયા હતા જેથી મહીલાએ તેનો પીછો કર્યો હતો. પરંતુ તેઓ હાથમા ન આવતા ઘરે જઇ પતિને આ અંગે વાત કરી હતી. આ અંગે મહીલાએ ભકિતનગર પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચીલઝડપ કરનાર સમડીની શોધખોળ હાથ ધરી છે.