સરધારમાં મહિલાને સગાભાઇ, ભાભી સહિતનાએ માર મારી ફિનાઇલ પીવડાવ્યું
શહેરના કાલાવડ રોડ પર રહેતા મહિલાની પુત્રીને સગો ભત્રીજો ભગાડી ગયો હતો. જે બાબતે ડખ્ખો થતાં મહિલના પુત્રએ ધમકી આપ્યાની ફરિયાદ કરી હોય જેથી મહિલા સરધારમાં રહેતા તેના ભાઇના ઘરે જઇ મારા પુત્ર વિરૂદ્ધ ફરિયાદ કેમ કરી તેમ કહેતા સગભાઇ,ભાભી, ભત્રીજા, ભત્રીજી સહિતનાઓએ માર મારી ફિનાઇલ પીવડાવી દેતા મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાસે આદીત્ય બિલ્ડિંગમાં રહેતા અંબાબેન વજુભાઇ દાફડા (ઉ.વ.42) નામના મહિલા આજે સવારે સરધાર ગામે તેના ભાઇ મુળજીભાઇના ઘરે હતા ત્યારે ભાઇ મુળજીભાઇ હમીરભાઇ મકવાણા, ભાભી જમનાબેન, ભત્રીજો વિપુલ, અભય, ભત્રીજી અંજલી સહિતનાઓએ અંબાબેનને ઢીકાપાટુનો મારમારી ફિનાઇલ પીવડાવી દેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં અંબાબેનને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. તેમના પતિ એસટીમાં ક્ધડકટર તરીકે નોકરી કરે છે. તેમના જણાવ્યા મુજબ તેના ભાઇ મુળજીભાઇનો પુત્ર આશીષ પરિણીત હોવા છતાં તેની પુત્રી નેહલને ગત તા.13/8ના ભગાડી ગયો હતો અને બંન્નેએ કોર્ટમાં મૈત્રી કરાર કરી લીધા હતા. આ અંગે અંબાબેને તા.14/8ના યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં સમાધાનમાં બોલાચાલી થતા ફરિયાદીના પુત્રએ ધમકી આપી હોય જેથી તેના પુત્ર ઉપર ધમકી આપ્યાની ફરિયાદ કરી હોય જેથી અંબાબેન તેના ભાઇના ઘરે જઇ મારા પુત્ર વિરૂદ્ધ કેમ ફરિયાદ કરી તેમ કહેતા ભાઇ સહિતના પરિવારજનોએ મારમારી ફિનાઇલ પીવડાવી દીધાનું જણાવ્યુ હતુ. આ અંગે આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.