બેડી યાર્ડ પાસે પૂર્વ પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને યુવતીના પરિવારની ધોકાવાળી
વિંછીયાના આંકડીયા ગામે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં યુવાનને તેની પુર્વ પ્રેમિકાએ ગત સાંજે રાજકોટ બેડી યાર્ડ નજીક ફોન કરીને વાત કરવા બોલાવ્યા બાદ પુર્વ પ્રેમિકાને બદલે તેના સગા આવી ગયા હતાં અને આ યુવાનને ધોકા-પાઇપથી બેફામ ફટકારતાં લોહીલુહાણ થઇ ગયો હતો અને એક પગ ભાંગી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિંછીયાના આંકડીયા ગામે રહેતો ઉમેશભાઇ હેમુભાઇ લોરીયા (ઉ.વ.36) નામનો દેવીપૂજક યુવાન રાતે આઠેક વાગ્યે બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફના રસ્તે હતો ત્યારે શેલના પેટ્રોલ પંપ પાસે તેને સંજય દેવીપૂજક અને મીના દેવીપૂજક સહિતના અજાણ્યા શખ્સોએ મળીને ધોકા-પાઇપથી બેફામ માર મારતાં શરીરે ઇજાઓ થઇ હતી અને જમણો પગ ભાંગી ગયો હતો. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. કોઇએ 108ને જાણ કરતાં તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં ઉમેશભાઇએ કહ્યું હતું કે તે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે અને તેને હાલ રાજકોટ રહેતી યુવતિ સાથે વર્ષોથી પ્રેમ હતો. હવે પ્રેમસંબંધ પુરો કરી નાંખ્યો હોઇ આમ છતાં મહિલાએ ગત સાંજે ફોન કરી રાજકોટ બેડી ચોકડીથી માધાપર ચોકડીના રસ્તે વાત કરવા આવવા બોલાવતાં તે બાઇક હંકારીને અહિ આવ્યો હતો. પરંતુ અહિ પુર્વ પ્રીમકા હાજર નહોતી મળી પણ તેના સગા સંબંધીઓ એવા સંજય, મીના સહિતના મળી આવ્યા હતાં અને ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.