જસદણના શિવરાજપુર ગામના ખેડૂતને વ્યાજના ચક્કરમાં ફસાવી મરણમૂડી સમાન જમીન પડાવી
રાજકોટ જિલ્લામાં વ્યાજકંવાદીઓ ફરી ઉપાડો લીધો છે ત્યારે ગઈકાલે જ જેતપુર, ગોંડલ અને વિંછીયા પંથકમાં વ્યાજના ચક્કરમાં ફસાયેલા ત્રણ વ્યક્તિઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે આજે વધુ એક ખેડૂતે ચાર વ્યાજખોરો સામે ધમકી આપી બળજબરીથી વ્યાજના બદલામાં જમીન પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે ખોડીયારનગરમાં રહેતા ખેડૂત દિનેશભાઈ ખોડાભાઈ મકવાણા (ઉ.38)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જસદણનાં અશોકભાઈ ઉનડભાઈ ધાંધલ તેમના પુત્ર ઉદયભાઈ અશોકભાઈ ધાંધલ, મહાવીર જીલુભાઈ ખાચર, મહેન્દ્રભાઈ કનુભાઈ ધાંધલનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ચારેક વર્ષ પહેલા ફરિયાદીને પૈસાની જરૂરીયાત ઉભી થતાં અશોકભાઈ ધાંધલ પાસેથી માસિક ત્રણ ટકાના વ્યાજ સાથે દોઢ લાખ ઉછીના લીધા હતાં. જે પેટે દર મહિને 4500નું વ્યાજ ભરતાં હતાં. એક વર્ષ સુધી વ્યાજ ચુકવ્યા બાદ ફરી ખેતી કામ માટે પૈસાની જરૂરીયાત ઉભી થતાં મહાવીરભાઈ પાસેથી 15 ટકાના વ્યાજે 50 હજાર બાદમાં બે વખત એક એક લાખ મળી કુલ અઢી લાખ વ્યાજે લીધા હતાં. જેનું દર મહિને 37,500નું વ્યાજ ભરતાં હતાં. બે વ્યાજખોરો પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. જે પેટે 4.75 લાખ વ્યાજ ચુકવી દીધું હોવા છતાં વ્યાજખોરોએ બળજબરીથી કોરા ચેક લખાવી લઈ વ્યાજ અને મુદલના બદલામાં ફરિયાદીની મરણમુડી સમાન ત્રણ વિઘા જમીનનું સાટાખત કરાવી લીધું હતું અને જમીનનો દસ્તાવેજ કરાવવા ધમકી આપતાં હોય આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વ્યાજખોરોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ જસદણના પીઆઈ ટી.બી.જાની સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે.