મોટામવાનો પરિવાર ભત્રીજાનું અવસાન થતા ગામડે ગયો ને તસ્કરો ત્રાટક્યા: 75 હજારની ચોરી
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર મોટામવા વિસ્તારમાં રહેતો પરિવાર કૌંટુબિક ભત્રીજાનું અવસાન થતા ગામડે ગયો હતો. ત્યારે ત્રણ દિવસ બંધ રહેલા મકાનને નીશાન બનાવી તસ્કરો મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂા.75 હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધતા તાલુકા પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મોટામવામાં એન્જીનીયરીંગ કોલેજ પાછળ પંચરત્ન પાર્કમાં રહેતા જીવણભાઇ ગોવાભાઇ મેરીયા (ઉ.49)નામના આધેડે તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના કૌંટુબિક ભત્રીજાનું અવસાન થતા તેઓ પરિવાર સાથે ગત તા.14/7ના રાત્રે મકાન બંધ કરી તેમના મુળ ગામ વેજાગામ ગયા હતા. બાદમાં તા.16ના તેનો પુત્ર મનીષ જે તેનાથી અલગ પંચરત્ન પાર્કમાં જ રહેતો હોય તે રાજકોટ આવી ગયો હતો અને તેના ઘરે સુઇ ગયો હતો. બાદમાં બીજા દિવસે તેના પુત્રએ ફોન કરી જણાવેલું કે, તેમના મકાનની સામે રહેતા કૌંટુબિક બનેવી કીશોરભાઇનો ફોન આવેલ અને તેમના મકાનનું તાળુ તુટેલું હોવાની જાણ કરતા તેઓ ગામડેથી દોડી આવ્યા હતા.
અને ઘરમાં તપાસ કરતા માલ સામન વેરવીખેર હાલતમાં પડેલો હોય. તપાસ કરતા તસ્કરોએ દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી લોંખડના કબાટમાંથી ચાંદીની બંગડી રૂા.4500 અડધા તોલાની સોનાની બુટી રૂા.13,500 તથા અગાઉ તેમણે રીક્ષા રીપેર કરવા માટે મિત્ર દાનાભાઇ પાસેથી રૂા.50 હજાર ઉછીના લીધા હોય તે રોક્ડ અને તેની પુત્રી જે પાર્લરનું કામ કરતી હોય તેના ભેગા થયેલા રૂા.7 હજાર મળી તસ્કરો કુલ રૂા.75 હજારના મુદ્દામાલની ચોરી કરી ગયા હોય. જે અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી પીએસઆઇ એચ.એન.જામંગે તપાસ હાથ ધરી છે.