પતિની દારૂ પીવાની કુટેવ અને લગ્નેતર સંબંધોને કારણે દંપતીના જીવનમાં ડખ્ખો, મામલો પોલીસમાં પહોંચ્યો
પતિની દારૂૂ પીવાની કૂટેવ અને લગ્નેત્તર સંબંધોને કારણે દંપતીના જીવનમાં ઝંઝાવાત આવતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે. જેમાં પત્ની પૂજાબેન (ઉ.વ.35)એ હરિયાણાના હિસારમાં રહેતાં પતિ કેશવ સ્વયમપ્રકાશ શર્મા, સાસુ ઈનાબેન અને કૌટુંબિક જેઠ સાંકેત વિરૂૂધ્ધ મહિલા પોલીસ મથકમાં ત્રાસની ફરિયાદ નોંધાવી છે.
હાલ નવાગામમાં આવેલા ઓમશાંતિ પાર્કમાં માવતરને ત્યાં રહેતાં પૂજાબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2016માં તેના લગ્ન થયા હતા. સંતાન પ્રાપ્તી થઈ નથી. લગ્ન બાદ હિસારમાં સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી. ત્રણેક મહિના સુધી સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. બાદમાં પતિ ફોનમાં કોઈની સાથે લાંબા સમય સુધી વાતચીત કરતો હતો. કોની સાથે વાતચીત કરો છો તેમ પૂછતાં ઝઘડો કરવા લાગતો હતો.સાસુ ઘરકામ અને રસોઈ બાબતે ઝઘડો કરતા હતા. પતિ દારૂૂ પી આવી પણ ઝઘડા કરતો હતો. ઘરસંસાર ચલાવવો હોવાથી હંમેશા સમાધાન કરી લેતી હતી.
એક દિવસ તેણે પતિના અન્ય મહિલા સાથેના ફોટા જોયા હતા. જે બાબતે પૂછતાં પતિએ ઝઘડો કરી અમદાવાદની ટ્રેનમાં બેસાડી દીધી હતી. આમ છતાં બધુ ભૂલી તેણે સમાધાનની કોશિષ કરી હતી. આ પછી પતિએ હરિયાણાની કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. જેમાં પતિ હાજર ન રહેતાં કેસ ડિસમીસ થઈ ગયો હતો.ત્યાર પછી તેણે રાજકોટની ફેમિલી કોર્ટમાં સેકશન-9 મુજબ અરજી કરતાં કોર્ટે પતિ-પત્નીને સાથે રહેવાનો આદેશ આપ્યો હતો. જેથી ગત ફેબ્રુઆરી માર્ચમાં સાસરે ગઈ હતી. જયાં પતિ અને સાસુએ પહેલા દિવસથી જ ઝઘડા શરૂૂ કરી દીધા હતા.
જેને કારણે તેણે સ્થાનિક પોલીસને બોલાવી હતી. તેના એકાદ માસ બાદ પતિ અને સાસુએ ફરીથી ઝઘડા શરૂૂ કરી દીધા હતા. કૌટુંબિક જેઠે તમાચો માર્યો હતો. જે અંગે તેણે ઈ-મેઈલથી સ્થાનિક પોલીસમાં અરજી કરી હતી. આટલું બન્યા પછી પણ સાસરિયે રહેતી હતી. તેના વડિલોએ સમાધાનની ઘણી કોશિષ કરી હતી. પરંતુ પતિ સમાધાન કરવા માગતો ન હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી.