વેપારીના મકાનમાંથી વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ મહિલાઓ વેચવા નીકળી ને ઝડપાઇ
શહેરનાં ટાગોર રોડ પર આવેલા એલઆઇસી સોસાયટીમાં નવા બની રહેલા વેપારીના મકાનમાંથી દિવાળીના રોજ 80 હજારના વાયરીંગના બંડલની ચોરી થયાની ગઇકાલે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી. આ ગુનાનો ભેદ એ ડિવીઝન પોલીસે ઉકેલી લઇ 3 મહિલાને પકડી તમામ મુદામાલ જપ્ત કર્યો છે.મળતી વિગતો મુજબ એલઆઇસી સોસાયટીમાં રહેતા પિયુષભાઇ જયંતિભાઇ ડોબરીયા જેઓ તેમના પિતરાઇ ભાઇ ધર્મેશભાઇ સાથે કોઠારીયા રીંગ રોડ પાસે જયંત ફુડ પ્રોડકટ નામે વેપાર કરે છે.
તેમના એલઆઇસી સોસાયટીમાં નવા બની રહેલા મકાનમાં કામ ચાલુ હોય તેમાંથી 80 હજારના વાયરીંગના બંડલની ચોરી થતા તેમણે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. આ મામલે એ ડિવીઝન પોલીસ મથકના પીઆઇ બારોટની રાહબરીમાં પીએસઆઇ રાણા અને સ્ટાફે બાતમીના આધારે રામનાથપરામાં રહેતા લક્ષ્મીબેન વિજયભાઇ સોલંકી, કુબલીયાપરામાં રહેતા સોનલબેન રાયધનભાઇ બાવાજી અને પુજાબેન રાજુભાઇ ટોપલીયાની ધરપકડ કરી હતી. આ ઘટનામાં ત્રણેયની પુછપરછ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે ત્રણેય આરોપીઓએ દિવાળીના દિવસે વાયરીંગના બંડલની ચોરી કર્યા બાદ સળગાવી નાખ્યા હતા અને તેમાંથી કોપર કાઢી સારા પૈસા મળશે તેવી લાલચે ભંગારના ડેલે વેચવા નિકળ્યા હતા ત્યારે પોલીસે પકડી લીધા હતા. આરોપી લક્ષ્મીબેન અગાઉ પણ ચોરીના ગુનામાં પકડાઇ ચુકયા છે.