દંપતીના ઝઘડામાં ધરમનો માનેલો ભાઇ વચ્ચે પડયો; બનેવીએ શંકા કરી ઢીમ ઢાળી દીધું
ગોંડલનાં ઘોઘાવદર ગામે દંપતી વચ્ચે ઝઘડો થતા શાપરમા રહેતો યુવાન ધરમની માનેલી બહેન - બનેવીને સમજાવવા વચ્ચે પડયો હતો ત્યારે બનેવીએ શંકા કુશંકા કરી અન્ય શખ્સો સાથે મળી ધોકા, કુહાડી અને છરી વડે હુમલો કરી માર માર્યો હતો ગંભીર રીતે ઘવાયેલા યુવકનુ મોત નીપજતા બનાવ હત્યામા પલ્ટાયો હતો. યુવકનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી. યુવકનાં મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. મૃતક યુવકનાં પરીવારજનોએ હત્યારો ન ઝડપાય ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમા આવેલી શાંતિધામ સોસાયટીમા રહેતો રાજ ખીમાભાઇ નામનો રપ વર્ષનો યુવાન ગત તા 11 નાં રોજ સવારનાં સાડા દસેક વાગ્યાનાં અરસામા ગોંડલનાં ઘોઘાવદર ગામે હતો ત્યારે અપુ રાઠોડ અને મીહીર ખીમસુરીયા સહીતનાં શખ્સોએ ધોકા, કુહાડી અને છરી વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકનુ સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો. જયા યુવકનુ મોત નીપજતા બનાવ હત્યામા પલ્ટાયો હતો.
યુવકનાં મોતથી પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમીક પુછપરછમા મૃતક રાજ પરમાર 4 ભાઇ બે બહેનમા વચેટ હતો અને તેને સંતાનમા એક માસની પુત્રી છે. રાજ પરમારે હુમલખોર અપુ રાઠોડની પત્ની ગાયત્રીબેનને ધરમની બહેન માની હતી અપુ રાઠોડ અને તેની પત્ની ગાયત્રીબેન વચ્ચે ઝઘડો થતા રાજ પરમાર દંપતીનાં ઝઘડામા વચ્ચે પડયો હતો. જેથી બનેવી અપુ રાઠોડએ ચારીત્ર્ય પર શંકા કરી મીત્રો સાથે મળી હત્યા કરી હોવાનુ પરીવારોએ આક્ષેપ કર્યો છે અને હત્યારા શખ્સો ન ઝડપાય ત્યા સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.