જૂનાગઢના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ, 13 લાખની મતા લઇ ફરાર
રકમ પરત માંગતા ઝાંસી બોલાવી હુમલો કર્યો, આરોપી મહિલાએ અગાઉ ચાર યુવાનોને ‘શિકાર’ બનાવ્યા છે
જુનાગઢના માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામના યુવકને લૂંટેરી દુલ્હને લાખોમાં ઉતાર્યો હતો. ઓનલાઈન સાઈટ પરથી એક યુવતી સાથે પરિચય થતાં મૈત્રી કરાર કરી આ યુવતી સાથે રહેવા આવી હતી. જે બાદ યુવતી 10 લાખથી વધુના દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી. જે બાદ ફરી થોડા દિવસમાં યુવકનો સંપર્ક કરી તેને ઝાંસી બોલાવ્યો હતો. જ્યા બન્નેએ લગ્ન કર્યા હતા.
જે બાદ યુવકે દાગીના અને રકમ પરત માગતા યુવતીએ યુવક પર હુમલો કર્યો હતો. જેને પગલે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.આ ઘટના અંગે ફરિયાદ નોંધાયા મુજબ અમીતભાઈની ઓળખ મેટ્રો મોનિયલ સાઇટ દ્વારા રોશની સાથે થઇ હતી. મહિલાએ પોતાના પતિને છોડી તેની સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. થોડા દિવસમાં જ રોશની તેની 6 વર્ષની દીકરી સાથે અમરાપુર આવી ગઈ હતી. 21 મે 2025ના રોજ બંને વચ્ચે સાથે રહેવાની સમજૂતિ પણ થઈ હતી. ત્યારબાદ 9 જૂનના રોજ તેમની સાથે લગ્ન કરવાની વાત હતી. તેમજ લગ્ન માટે ફરિયાદી તરફથી 1 લાખ રૂૂપિયા રોકડ આપવામાં આવ્યા હતા, ઉપરાંત ફરિયાદી પાસે અગાઉથી જ 2.73 લાખ રૂૂપિયા ઘરનાં કબાટમાં રાખેલા હતા.
29 મે 2025ના રોજ, જ્યારે ફરિયાદી જુનાગઢમાં મકાનના રિનોવેશનના કામે ગયા હતા, ત્યારે પાછળથી રોશનીએ તેમના ઘરનાં કબાટમાંથી 3.73 લાખ રૂૂપિયા તથા સોનાના દાગીના ઉઠાવી લીધા હતા અને બિનજાણકારીમાં નિકળી ગઈ હતી. કાનની બુટીની જોડી,લેડીઝ તથા જેન્સ ચેઇન, બે સોનાની વીટી, બે સોનાની બંગડી, મંગળસુત્ર, પેન્ડલ સેટ, ચાંદીના પાયલ, ચાર ચાંદીના સિક્કા આ મળી કુલ 11.5 તોલા જેટલા દાગીના હતા, જેની બજાર કિંમત 10 લાખ રૂૂપિયા આસપાસ હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.પોલીસે તપાસ કરતા બહાર આવ્યું કે, આરોપીએ અગાઉ પણ અન્ય ત્રણ-ચાર લોકો સાથે આવી જ રીતે ઠગાઈ કરી છે. દરેક પુરુષ સાથે પહેલા લગ્નનું વચન આપ્યું હતું. જે બાદ પૈસા, દાગીના, કાર-મકાન જેવી વસ્તુઓ હડપ કરી ફરાર થઈ જતી હતી.1 જૂન 2025ના રોજ રોશનીએ ફરી અમીતને મેસેજ કર્યો કે, ઝાંસી આવો, તમારી વસ્તુ આપીશ. જ્યારે અમીત ઝાંસી પહોંચ્યા ત્યાં રોશનીનો ભાઈ મયંક પણ હાજર હતો. મયંક અગાઉ પણ ફરિયાદી પાસેથી 76,000 રૂૂપિયા ઉછીના લઈ ગયો હતો.
રોશનીએ ફરિયાદીને કહ્યું કે, મારો ભાઈ તમારી વસ્તુ પાછી આપી દેશે, પણ તમે મને અહીંથી લઈ જાવ. આરોપીને ભોળવવા માટે તેઓ કાનપુર, હરીદ્વાર, અને ઉત્તરાખંડના રૂૂદ્રપ્રયાગ જિલ્લાના ત્રિયુગીનારાયણ મંદિરે 10 જૂન 2025ના રોજ ફુલહાર કરાવી લગ્ન પણ કર્યા હતા.લગ્ન બાદ જ્યારે ફરિયાદીએ દાગીનાની માગ કરી ત્યારે રોશનીએ અમિતને લાકડી અને છરી વડે તેના માથા, ગળા, હાથ અને ગુપ્ત ભાગમાં હુમલો કર્યો હતો. તેમજ અપશબ્દો બોલ્યા હતા. તેમજ કહ્યું કે, જો ફરી દાગીનાની વાત કરીશ તો મારો ભાઈ અને પિતા તને તથા તારા બાળકોને મારી નાખશે. આ હુમલા બાદ ફરિયાદીએ પોતાની સારવાર કરાવી હતી.