ગોંડલ રોડ પરથી મળેલો મૃતદેહ માળિયાની હોટલમાં કામ કરતા યુવાનનો હોવાનું ખૂલ્યું
શહેરનાં ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ પાસેથી સોમવારે અજાણ્યા યુવાનનો ઇજાગ્રસ્ત હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમા મૃતક માળીયા નજીક હોટલમા કામ કરતો રાજસ્થાની યુવક હોવાનુ ખુલ્યુ છે જો કે તેનુ મોત કઇ રીતે થયુ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર રાજકમલ પેટ્રોલ પંપ પાસે શેરીમાથી અજાણ્યા યુવાનનો ઇજાગ્રસ્ત હાલતમા મૃતદેહ મળી આવતા માલવીયાનગર પોલીસે દોડી જઇ મૃતદેહને પીએમમા ખસેડી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. મૃતક પાસેથી મળેલી બેગમાથી એક નંબર મળતા પોલીસે તેમા ફોન કરતા મૃતકનાં ભાઇનો સંપર્ક થયો હતો. અને મૃતક ભેરૂલાલ રામલાલ (ઉ.વ. 30) હોવાનુ જાણવા મળ્યુ છે.
પ્રાથમીક તપાસમા મૃતક રાજસ્થાનનો વતની અને મોરબી હાઇવે પર માળીયા નજીક હોટલમા કામ કરતો હતો. થોડા દિવસ પુર્વે તે વતનમા ગયો હતો અને બે દિવસ પુર્વે વતનમાથી કામ પર આવવા નીકળ્યો હતો. દરમ્યાન રાજકોટ કેવી રીતો પહોચ્યો અને શુ થયુ ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે પીવાની ટેવ હોવાથી કદાચ પડી જતા ઇજા થઇ હોવાની શંકા સેવાઇ રહી છે જો કે પીએમ રીપોર્ટ બાદ મોતનુ સાચુ કારણ સ્પષ્ટ થશે તેમ પોલીસ દ્વારા જણાવાયુ છે.