અડપલાં કરનારની ઉંમર 85 વર્ષ હોય એટલે જામીન મળવા હકદાર ન બને: હાઇકોર્ટ
13 વર્ષની સગીરાને પ્રસાદના બહાને બોલાવી અડપલાં કરનાર વૃદ્ધની આગોતરાની અરજી રદ
13 વર્ષની સગીરાને પ્રસાદ આપવાના નામે ઘરમાં બોલાવી તેના સ્તનને સ્પર્શ કરી રૂૂમની અંદર લાવીને બારણું બંધ કરી અભદ્ર અડપલાં કરનારા વૃદ્ધ આરોપીની આગોતરા જામીન અરજી રદ કરતાં હાઇકોર્ટે અત્યંત મહત્ત્વપૂર્ણ અને માર્મિક અવલોકન કર્યું છે કે, સામાજિક હિતને નેવે મૂકીને પોતાની વાસના સંતોષવાની ઇચ્છા રાખતો આરોપી 85 વર્ષનો વૃદ્ધ હોવાના માત્રથી જામીન મેળવવાનો હકદાર બની જતો નથી. હાઇકોર્ટના જસ્ટિસ એચ.ડી. સુથારે ગુનાની ગંભીરતા અને આરોપીની પ્રથમ દૃષ્ટિએ સંડોવણીને ધ્યાનમાં લેતા તેને રાહત આપવાનો ઇનકાર કરતાં આગોતરા જામીન અરજી રદબાતલ ઠરાવતો આદેશ કર્યો છે.
પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં તપાસને એક તાર્કિક નિષ્કર્ષ સુધી પહોંચાડવા માટે તપાસ અધિકારીઓને ફ્રી હેન્ડ આપવો જરૂૂરી હોવાનું નોંધતાં જસ્ટિસ સુથારે ચુકાદામાં ઠરાવ્યું છે કે, અરજદાર પક્ષે એવી દલીલ કરવામાં આવી છે કે તેના કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની કોઇ જરૂૂરી નથી. પરંતુ અહીં એ નોંધવું રહ્યું કે અરજદારની વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કેસ બનતો જણાય છે અને તેની સામે પોક્સોના કાયદા હેઠળના ગંભીર આક્ષેપો છે. એવો કોઇ નિયમ નથી કે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂૂર નથી તો આગોતરા જામીન આપી દેવા. કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન આગોતરા જામીનના કેસમાં એક સારું ગ્રાઉન્ડ ગણાય, પરંતુ માત્ર કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂૂર નથી, એવા આધારે આગોતરા જામીન મંજૂર ન કરી દેવાય.
હાઇકોર્ટે ચુકાદામાં એમ પણ ઠરાવ્યું છે કે, કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂૂર નથી એ બરાબર, પરંતુ ગુનાના સત્ય સુધી પહોંચવા માટે અન્ય મુદ્દાઓની પણ ચકાસણી કરવી જરૂૂરી છે. તેથી અરજદારને રાહત આપવા માટેનો આ ફીટ કેસ જણાતો નથી. અરજદારે આ ગુના ઉપરાંત સગીર પીડિતાના કાકી સાથે પણ આ પ્રકારનું જ કૃત્ય આચર્યું હતું. એટલે કે અરજદાર આવા ગુના કરવાની ટેવ ધરાવે છે. તેવા સંજોગોમાં સામાજિક હિતને બાજુમાં મૂકીને માત્ર પોતાની વાસના સંતોષવાની ઇચ્છા રાખતો આરોપી 85 વર્ષનો વૃદ્ધ હોવા માત્રથી જામીનનો હકદાર બની જતો નથી. વિકૃત્ત માનસિકતા ધરાવતા વૃદ્ધની અરજી રદ કરતાં હાઇકોર્ટે એમ પણ નોંધ્યું છે કે,અરજદારને પુરાવા સાથે ચેડાં અને સાક્ષીઓ પર પ્રભાવ પાડી શકે. ગુનાના બે આરોપીઓ હજુ પોલીસની પકડથી બહાર છે અને તેઓ આ કેસના આરોપી સાથે જોડાયેલા છે.
આ સંજોગોમાં કોર્ટ ચોક્કસપણે માને છે કે જો અરજદારને જામીન આપી દેવાય તો એ તેનો ગેરલાભ ઉઠાવશે અને તપાસમાં બાધા ઊભી કરી શકે છે. તેથી તેની આગોતરા જામીન અરજી રદ કરવામાં આવે છે.