ભાણવડમાં અઢી દાયકા પૂર્વે થયેલ લૂંટ પ્રકરણના ઇનામી આરોપી ઝડપાયા
ભાણવડ નજીકના ત્રણ પાટીયા વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપમાં આજથી આશરે 27 વર્ષ પૂર્વે રાત્રીના સમયે કેટલાક શખ્સોએ હથિયાર તેમજ પથ્થર વડે અહીં રહેલા પેટ્રોલ પંપના કર્મચારીઓને બેફામ માર મારી, રોકડ રકમ તથા કાંડા ઘડિયાળ વિગેરેના મુદ્દામાલની લૂંટ થયાનો બનાવ જે-તે સમયે પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં મધ્ય પ્રદેશ રાજ્યના જાંબુઆ તાલુકાના રહીશ બાદરા કલસીંગ ડામોર નામના 46 વર્ષના આદિવાસી ભીલ શખ્સની સંડોવણી ખુલવા પામી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલ.સી.બી. ટીમ દ્વારા રવિવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા બારોટ અને લાખાભાઈ પિંડારિયા દ્વારા ઉપરોક્ત શખ્સને ભાણવડ તાલુકાના પોરબંદર-જામનગર રોડ પર કપુરડી ગામના પાટીયા પાસેથી દબોચી લીધો હતો. ત્યાર બાદ તેનો કબજો ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કુખ્યાત ચડ્ડી બનીયાનધારી ગેંગનો સભ્ય એવો ઉપરોક્ત આરોપી બાદરા ડામોર આદિવાસી તેના સાગરીતો સાથે મળીને વર્ષો અગાઉ લૂંટ, ધાડ, અપહરણ જેવા ગુનાઓને અંજામ આપ્યો હતો અને છેલ્લા 27 વર્ષથી તે નાસતો ફરતો હોય, તેની સામે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગના ઠરાવ મુજબ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા રૂૂ. 10,000 નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, વી.એન. સીંગરખીયા, એસ.એસ. ચૌહાણ અને એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા સાથે સ્ટાફના જેસલસિંહ જાડેજા, મસરીભાઈ ભારવાડીયા, અજીતભાઈ બારોટ અને લાખાભાઈ પિંડારિયા દ્વારા કરવામાં આવી હતી.