સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપી સાથે મદદગાર યુવક-યુવતીને પણ 20 વર્ષની સજા
શહેરના અમરાઇવાડી વિસ્તારમાં વર્ષ 2023માં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી યુવતી સહિત કુલ ત્રણ આરોપીઓને અમદાવાદ વિશેષ પોક્સો કોર્ટે 20-20 વર્ષ કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત કોર્ટે ભોગબનનારને 1 લાખ રૂૂપિયા વળતર પેટે ચુકવી આપવા આદેશ કર્યો છે. આ સાથે જ ચુકાદામાં જજ જે.એલ.ચોવટીયાએ નોંધ્યું હતું કે, આ ગંભીર પ્રકારનો ગુનો છે, યુવતી સહિતના આરોપીઓના ઘરે લઇ જઇ પીડિતા સગીર ઉમર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે, આખોય કેસ નિ:શંક પણે પુરવાર થાય છે. ત્યારે આવા કેસમાં આરોપીઓ સામે દયા ન દાખવી શકાય.
અમદાવાદ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં 12 વર્ષીય સગીરાને તેના જ વિસ્તારમાં રહેતો 32 વર્ષીય યુવકે લલચાવી ફોસલાવી ત્યાં જ રહેતી યુવતી તથા અન્ય એક યુવકના ઘરે લઇ જતો હતો. ત્યાર બાદ અવારનવાર સગીરા ઉપર પર દુષ્કર્મ ગુજારતો હતો. પીડિતા સગીર હોવાનું જાણવા છતાં યુવતી અને યુવક આરોપીનો સાથ આપતા હતા. જેના કારણે વારંવાર બન્નેના ઘરે સગીરાને લાવી યુવક દુષ્કર્મ ગુજારતો હતો.
ઉપરાંત અમુક વખત પીડિતાને ઘરે જઇને પણ યુવકે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે સગીરાની માતાને જાણ થઇ હતી. જેથી તેણે સગીરાની પુછપરછ કરતા સમગ્ર મામલે જાણ થઈ હતી. જેથી આ અંગે સગીરાની માતાએ આરોપી અને યુવતી તેમજ અન્ય યુવક સામે અમરાઇવાડી પોલીસ મથકમાં પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે પોલીસે ચાર્જશીટ કરતા કેસ વિશેષ પોક્સો કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીઓને 20-20 વર્ષની કેદની સજા ફટકારી જેલમાં મોકલી આપ્યા છે.
