દ્વારકા પંથકના ચકચારી ગૌમાંસ પ્રકરણના નાસતા ફરતા આરોપીને દબોચી લેવાયો
દ્વારકા વિસ્તારમાં ગૌમાંસ અંગેના વર્ષ 2024 માં નોંધાયેલા એક ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટ રહેતા એક શખ્સને દબોચી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ થોડા સમય પૂર્વે દ્વારકા વિસ્તારમાં ગૌમાંસ અંગેના પ્રકરણોનો ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે જે-તે સમયે નોંધાયેલી પોલીસ ફરિયાદમાં જુનાગઢના દોલતપરા વિસ્તારના મૂળ રહીશ અને હાલ રાજકોટમાં હોસ્પિટલ ચોક વિસ્તારમાં રહેતા અને ઓઇલ-ગ્રીસ કરવાનું કામ કરતા ભરત કારુભાઈ સારોલીયા નામના 22 વર્ષના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો આ આરોપી દ્વારકામાં આવ્યો હોવાની ચોક્કસ માહિતી એલસીબીના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, પીઠાભાઈ ગોજીયા અને પ્રવીણભાઈ માડમને મળતા એલસીબીની ટીમે એક મંદિરની પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાંથી આરોપી ભરત સારોલિયાને ઝડપી લઇ વધુ તપાસ અર્થે તેનો કબજો દ્વારકા પોલીસને સોંપ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, વી.એન. સિંગરખીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, અરજણભાઈ મારુ, પીઠાભાઈ ગોજીયા, પ્રવીણભાઈ માડમ, ગોવિંદભાઈ કરમુર, ક્રિપાલસિંહ ચૌહાણ અને હસમુખભાઈ કટારા દ્વારા કરવામાં આવી હતી.