નાણાવટી ચોક હોકર્સ ઝોનમાં આવારા તત્ત્વોનો આતંક
4-5 લુખ્ખા શખ્સોએ નશાની હાલતમાં ટેબલ-ખુરશીમાં તોડફોડ કરી સ્કૂટર ચાલક વૃદ્ધને પણ માર માર્યો
શહેરમાં અવાર-નવાર લૂખ્ખા શખ્સોનો આંતક સામે આવી રહ્યો છે. પોલીસની ધાક જાણે ઓસરતી હોય તેમ જાહેરમાં હથિયારો સાથે મારમારી કરતા વીડિયો વાઇરલ થઇ રહ્યા છે. આવો જ એક વધુ વીડિયો સામે આવ્યો છે. શહેરના 150 ફૂટરીંગ રોડ પર નાણાવટી ચોક હોકર્સઝોનમાં આવારા તત્વોનો આંતક સામે આવ્યો છે.
હોકર્સઝોનમાં ગત રાત્રે ચાર-પાંચ જેટલા શખ્સો નશાની હાલતમાં આવી નાસ્તાની રેકડી ધારક સાથે કોઇ બાબતે માથાકૂટ કરી ઉશ્કેરાઇ જઇ વોકર્સઝોનમાં ટેબલ-ખુરશીમાં તોડફોડ કરી હતી. દરમિયાન ત્યાથી પસાર થતા નિર્દોષ સ્કૂટર ચાલક વૃદ્ધને રોકી તેને લાકડી વડે માર માર્યો હતો. જેથી લોકોના ટોળા એકઠા થઇ જતા પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામા આવી હતી.
જોે કે, પોલીસ પહોંચે તે પહેલા જ નાશાખોરો ત્યાથી છનન થઇ ગયા હતા. આ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા પોલીસે નશાખોર આવારા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ શખ્સો વોકર્સઝોન પાછળ આવેલી આવાસ ટાઉનશીપના હોવાનુ અને અવાર-નવાર નશાની હાલતમાં આવી માથાકૂટ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે.
આ સમગ્ર ઘટનામાં ગાંધીગ્રામ તેમજ યુનિવર્સિટી પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ શરૂ કરી છેે અને વોકર્સ ઝોનમાં માથાકુટ કરનાર આરોપીઓને પકડી પાડવા તજવીજ આદરી છે.