રામનાથપરામાં ગેરેજ સંચાલકે બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
શહેરમા રામનાથપરામા રહેતા આધેડે માનસિક બિમારીથી કંટાળી રાત્રીના સમયે ઘરેથી નિકળી જઇ પોતાના ગેરેજે પહોંચ્યા હતા અને ગેરેજમા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આધેડના આપઘાતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રામનાથપરા શેરી નં 18 મા રહેતા રફીકભાઇ અબ્દુલભાઇ પાયક (ઉ.વ. પ9) એ સવારના સાડા પાંચેક વાગ્યાના અરસામા રામનાથપરા શેરી નં ર0 મા આવેલા પોતાના ગેરેજમા પંખામા દોરી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરીવારમા માતમ છવાયો હતો.
પ્રાથમિક પુછપરછમા મૃતક રફીકભાઇ પાયક ત્રણ ભાઇ અને બે બહેનમા નાના હતા અને તેમને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે. રફીકભાઇ પાયકે માનસીક બીમારીથી કંટાળી રાત્રીના ઘરેથી નીકળી જઇ પોતાના ગેરેજે પહોંચી આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.