વઢવાણમાં લુખ્ખા તત્ત્વોનો આતંક, મહિલાની છેડતી, તલવારથી હુમલો
સુરેન્દ્રનગરના વઢવાણમાં તંત્રનો જરા પણ ડર ન હોય તેમ આવારા તત્વો બેફામ બન્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણના આદર્શચોક વિસ્તારમાં આવરા તત્વો બેફામ બન્યા છે. જેમાં આ લુખ્ખા તત્વો દ્વારા જાહેરમાં મહિલાઓની છેડતી કરી તલવાર ધોકા સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો તેમજ દુકાન સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. અવારા તત્વોએ વઢવાણને બાનમાં લીધું હતું. આ આવારા તત્વો તલવાર લઈ મહિલાઓની પાછળ દોડ્યા તેમજ દુકાનમાં પડેલી રોકડ રકમ પણ ઉઠાવી ગયા હતા. આ સમગ્ર મામલે 5થી વધુ ઇજાગ્રસ્ત લોકોને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જાહેરમાં મહિલાઓની છેડતી સાથે તિક્ષ્ણ હથિયારોથી હુમલો કરાતાં આવારા તત્વોને ખાખી વર્દીનો ખોફ નથી રહ્યો તેવું વર્તાઈ રહ્યું છે. તેમજ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.