દારૂડિયાઓનો આતંક, વૃદ્ધનો પગ ભાંગી નાખી અડધો કિ.મી. ઢસડ્યા
વાંકાનેરના હોલમઢના વૃદ્ધ મહિકા ગામે બાંધકામની સાઇટ જોવા જતા નશેડીઓએ તું અહીં કેમ આવ્યો તેમ કહી રિક્ષામાં રસીદગઢ ગામે લઇ જઇ મારી લૂંટી લીધા
વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેતા વૃધ્ધ મહીકા ગામે બાંધકામ સાઇટ જોવા ગયા હતા ત્યારે નસેડી શખ્સોએ તુ અહીંયા કેમ આવ્યો તેમ કહી ગાળો ભાંડી હતી. વૃધ્ધે ગાળો આપવાની ના પાડતા નસેડી શખ્સોએ વૃધ્ધ સાથે ઝપાઝપી કરી વૃધ્ધના ગળામા રહેલા મફલર વડે જ વૃધ્ધના હાથ બાંધી રીક્ષામા અપહરણ કરી રસીદગઢની સીમમા લઇ ગયા હતા. જયા ઝાડી ઝાંખરામા વૃધ્ધના પગ પર બેલા મારી પગ ભાંગી નાખ્યા બાદ નસેડી શખ્સોએ ઝાડીમાથી ઇજાગ્રસ્ત વૃધ્ધને અડધો કિલોમીટર સુધી ઢસડી રોડ પર ફેંકી દીધા હતા. એકઠા થયેલા લોકોએ વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડયા હતા. ઇજાગ્રસ્ત વૃધ્ધે નશાખોર શખસોએ અપહરણ કરી માર મારી મોબાઇલ અને રૂપીયા 1500 ની લુંટ ચલાવી હોવાનો આક્ષેપ કર્યો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેતા અવચરભાઇ વશરામભાઇ સારલા નામના 60 વર્ષના વૃધ્ધ ગઇકાલે બપોરના ચારેક વાગ્યાના અરસામા વાંકાનેર પાસે આવેલા મહીકા ગામે હતા ત્યારે બોખો દેવીપુજક સહીતના શખ્સોએ ઝઘડો કરી અવચરભાઇ સારલાને રીક્ષામા અપહરણ કરી રસીદગઢ ગામે ઝાડી ઝાખરામા લઇ જઇ પથ્થર અને બેલા વડે માર માર્યો હતો. વૃધ્ધને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા. આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને વાંકાનેર પોલીસે વૃધ્ધનુ નિવેદન નોંધ્યુ હતુ.
હોસ્પિટલના બીછાને સારવાર લઇ રહેલા અવચરભાઇ સારલાની પ્રાથમીક પુછપરછમા તેઓ કડીયાકામ કરે છે અને મહીકા ગામે બાંધકામ સાઇટ જોવા માટે ગયા હતા ત્યારે હુમલાખોર શખ્સો દારૂ પીતા હતા તે દરમ્યાન ત્યાંથી પસાર થઇ રહેલા અવચરભાઇ સારલાને તુ અહીં કેમ આવ્યો તેમ કહી ગાળો ભાંડી હતી. જેથી અવચરભાઇ સારલાએ ગાળો આપવાની ના પાડતા નશાખોર શખસોએ અવચરભાઇ સાથે ઝઘડો કરી તેમના જ ગળામા રહેલા મફલર વડે અવચરભાઇના હાથ બાંધી ધરાહાર રીક્ષામા બેસાડી દઇ રસીદગઢ ગામે ઝાડી ઝાખરામા લઇ જઇ ડાબા પગ પર બેલાના ઘા ઝીકી પગ ભાંગી નાખ્યો હતો અને ઇજાગ્રસ્ત હાલતમા કણસી રહેલા વૃધ્ધને નશાખોર શખસોએ ઝાડી ઝાખરામા અડધો કિલોમીટર સુધી ઢસડી રોડ પર ફેકી દીધા હતા. લોહી લુહાણ હાલતમા પડેલા વૃધ્ધને જોઇને લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડયા હતા. હુમલાખોર નશેડી શખ્સોએ રૂપીયા 1પ00 ની રોકડ અને મોબાઇલ ફોનની લુંટ ચલાવી હોવાનુ ઇજાગ્રસ્ત વૃધ્ધે આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---