અમરનગરમાં મોડીરાત્રે લુખ્ખાઓનો આતંક, ફઇ-ભત્રીજી પર ધોકાથી હુમલો
કાર અને એકિટવામાં આવેલા ચાર શખ્સોએ મહિલાઓની હાજરીમાં ગાળાગાળી કરતા માથાકુટ
એક આરોપીએ મીર્ચી સ્પ્રે છાંટયો, અમારી રોક ટોક કરી તો જીવતા મારી નાખીશુ ધમકી આપી
સોડા-બોટલના ઘા કરતાં લત્તાવાસીઓ અડધી રાત્રે સીપી કચેરી અને પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા: ત્રણ આરોપીને પકડી કાયદાનું ભાન કરાવ્યું
રાજકોટ પોલીસે છેલ્લા મહીના પહેલા 7પ0 થી વધુ અસામાજીક તત્વો વિરુધ્ધ કાર્યવાહી કરવા લીસ્ટ બનાવવામા આવ્યુ હતુ. લીસ્ટ બન્યા બાદ પોલીસ દ્વારા આરોપીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરી રહી છે જેમા અમુકનાં ગેરકાયદેસર મકાન અને સંવેદનશીલ વિસ્તારમા વીજ કનેકશન કાપી ગુનેગારોને કાયદાનાં પાઠ ભણાવી રહી છે . ત્યારે રાજકોટ શહેરમા ગુનાખોરી ઓછી થવાનુ નામ નથી લેતી તેમ ગઇકાલે રાત્રે માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમા આવતા અમરનગરમા એક ગંભીર ઘટના બની હતી જેમા અનેક પરીવાર ઘરની બહાર મોડે સુધી બેઠા હતા ત્યારે એક કાર અને બાઇકમા આવેલા અસામાજીક તત્વો જાહેરમા ગાળો બોલતા હોય તેઓને મહીલાઓએ ટપારતા આરોપીઓએ સોડા - બોટલનાં ઘા કરી મીર્ચી સ્પ્રે છાટી અને અમારી વિરુધ્ધ રોક ટોક કરશો તો તમને જીવતા મારી નાખીશુ તેવી ધમકી આપી હતી અને ત્યા હાજર ફઇ - ભત્રીજી પર ધોકાથી હુમલો કરતા લોકોમા રોષ ફેલાયો હતો . જેથી લતાવાસીઓ પોલીસ કમિશનર કચેરી અને માલવીયા નગર પોલીસ મથકે આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે રજુઆત કરવા પહોંચ્યા હતા . આ સાથે માલવીયા નગર પોલીસે ગુનો નોંધી મોડી રાત્રે એક સગીર સહીત 3 શખસોને સકંજામા લીધા હતા .
વધુ વિગતો મુજબ મવડી વિસ્તારમા આવેલા અમરનગર 1 મા રહેતા દક્ષાબેન રાજુભાઇ ઓડેદરા (ઉ.વ. રપ) એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ગઇકાલે એટલે કે તા 7 નાં રોજ રાત્રીનાં 9 વાગ્યે મોટા બહેન જાગૃતી બહેન, માતા ભારતીબેન, ફઇ રાજીબેન અને પાડોશમા રહેતા કિરણબેન અને હીરાબેન એમ બધા શેરીનાં ખુણે આવેલા ચોકમા બેઠા હતા આ સમયે સંજય માત્રાણીયા, વિવેક ઉર્ફે અભી અને રાજદીપ ઉર્ફે બાપુડી તેમજ અભીષેક સહીતનાઓ એક સ્કુટર અને કાળા કલરની સ્વીફટ કાર તેમજ એક સફેદ કલરની વેગનઆર કાર લઇને આવ્યા હતા. આરોપીઓ ચોકમા ઉભા રહી મોટા મોટા અવાજ કરી ગાળો બોલતા હતા. જેથી આરોપીઓને ગાળો બોલવાની ના પાડતા અને ત્યાથી જતા રહેવાનુ કહેતા તમામ આરોપીઓએ માથાકુટ કરી અને સંજયે મીર્ચી સ્પ્રે છાટયો હતો તેની પાસે રહેલા ધોકા વડે દક્ષાબેનને એક ઘા ઝીકી દીધો હતો અને તેમને બચાવવા વચ્ચે પડેલા તેમના ફઇ રાજીબેનને જમણા પગે ધોકાનો ઘા ઝીકી દીધો હતો અને થોડીવારમા આરોપીઓએ સોડા - બોટલનાં ઘા કર્યા હતા અને તેઓએ ધમકી આપી હતી કે આજ પછી કોઇ દિવસ અમારી રોક ટોક કરશો તો જીવતા નહી રહેવા દઇએ. જેથી શેરીમા દેકારો થઇ જતા ત્યા માણસો ભેગા થઇ ગયા હતા જેથી આરોપીઓ ત્યાથી ભાગી ગયા હતા.
ફરીયાદી યુવતીએ ફરીયાદમા આક્ષેપ સાથે જણાવ્યુ હતુ કે ચારેય આરોપીઓ શેરીમા અવાર નવાર દારૂ પીવા બેસતા હોય અને આ લોકોને ત્યાથી દુર રહેતા જવાનુ કહેતા અવાર નવાર માથાકુટ કરે છે ગઇકાલે આ ઘટના બનતા યુવતીને હાથમા ઇજા થઇ હતી ત્યારબાદ 100 નંબર પર કોલ કરતા ઘટના સ્થળે માલવીયા નગર પોલીસની પીસીઆર વાન પહોંચી ગઇ હતી અને થોડીવારમા જ ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવા અને માલવીયા નગરનાં પીઆઇ બનાવ સ્થળે પહોંચી ગયા હતા. આરોપીઓનાં ત્રાસથી લતાવાસીઓ દ્વારા મોડી રાત્રે પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. આથી માલવીયા નગર પોલીસે રાત્રે વિશ્ર્વનગર કવાર્ટરમા રહેતો રાજદીપ દિનેશ પરમાર, સંજય મિયાત્રા અને એક સગીરને ઉઠાવી લઇ કાયદાનુ ભાન કરાવ્યુ હતુ.
આરોપીના મકાન પર બૂલડોઝર ફેરવી દયો: લતાવાસીઓ
મવડી પ્લોટમા આવેલા અમર નગરમા ગઇકાલે રાત્રીના સમયે અસામાજીક તત્વોએ જાહેરમા આતંક મચાવી સોડા - બોટલનાં ઘા કરી મીર્ચી સ્પ્રે છાટી રીતસરનો લોકોમા ભય ફેલાવ્યો હતો અને ફઇ - ભત્રીજી પર ધોકાથી હુમલો કર્યો હતો. આ ઘટનામા આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય માટે લતાવાસીઓ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને તેઓએ ડીસીપી ઝોન ર બાંગરવાને રજુઆત કરતા જણાવ્યુ હતુ કે તમામ આરોપીઓને જાહેરમા લાવી કાયદાનુ ભાન કરાવો અને આરોપીનાં મકાન પર બુલડોઝર ફેરવી દયો.