ભાવનગર જેલમાં દસ કેદીએ કાચા કામના કેદીને માર મારી લોહીલુહાણ કર્યો
ભાવનગર ખાતે રહેતા અને હાલ જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપી રહેલ આરોપીને આજે સવારે જેલમાં હત્યાના ગુનામાં સજા કાપી રહેલા 3 આરોપી તેમજ અન્ય સાત આરોપીઓએ એક સંપ કરી માર માર્યો હતો.
જેલમાં મારમારીના ગુનામાં ચાર દિવસ અગાઉ જેલમાં આવેલા આરોપી જયદિપસિંહ પ્રવિણસિંહ પરમાર ઉપર હત્યાના ગુનામાં સંડોવાયેલા રોહિત ઉર્ફે ચણી હરેશભાઇ બારૈયાએ બોલાચાલી કરી મારમાર્યો હતો જે બાદ સંજય લાલાભાઇ આલગોતર અને રાજન અરજણભાઇ આલગોતરે આરોપી જયદીપસિંહને માથુ પટકાવી, ગંભીર મારમારતા આરોપીને લોહીલુહાણ હાલતે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો જ્યાં આરોપી જયદિપસિંહે ત્રણેય આરોપી વિરૂૂદ્ધ નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જિલ્લા જેલના જેલર સોલંકીએ જણાવ્યું હતું કે, આ બનાવમાં જેલના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરાતા ત્રણ આરોપી નહીં પણ કુલ દસેક જેટલા આરોપીએ મારમાર્યો હોવાનું જણાયું હતું. સી.સી.ટી.વી.કેમેરામાં નજર થયા પ્રમાણે કિરણ દિપકભાઇ આલગોતર, વિશાલ ભગાભાઇ સોહલા, શ્રેયંસ પરેશભાઇ આડા, યશ અરજણભાઇ આલગોતર, કરણ પંકજભાઇ રાવ, પીન્ટુ મેરાભાઇ બામ્બા તેમજ હુસૈન અખ્તરભાઇ કલીવાલાએ એક સંપ કરી મારમાર્યો હતો જે તમામના નામો આવતીકાલે પોલીસને આપીશું તેમ જણાવ્યું હતું. રાજન આલગોતરના ભાઇ અંકુશ સાથે ફોનમાં બોલાચાલી થઇ હોવાથી મારમાર્યો હતો.
હત્યાના ગુનામાં સંડોવાયેલા ચણી, સંજય આલગોતર અને રાજન આલગોતર જેલના સર્કલ વિભાગમાં ફોન બુથ ઉપર ફોન કરવા આવ્યા હતા તે દરમિયાન ચણીએ જયદિપસિંહ સાથે બોલાચાલી કર્યા બાદ તમામ આરોપીઓએ મારમાર્યો હોવાનું જેલના સત્તાધીશોએ જણાવાયું હતું.