કારની એનઓસી આપવા મામલે મનપાના હંગામી કર્મચારી પર હુમલો
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખામાં આઉટ સોર્સ થી ફરજ પર જોડાયેલા હંગામી કર્મચારી કુલદિપસિંહ કિરીટસિંહ પરમાર નામના 31, વર્ષના યુવાન પર ખોડીયાર કોલોની વિસ્તારમાં પરમદિને સાંજે મેમાણા ગામના નાગરાજસિંહ રણજીતસિંહ જાડેજા અને તેના અન્ય ત્રણ સાગ્રિતોએ આવીને લોખંડના પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
ત્યારે કુલદીપસિંહ પરમાર ને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.ઇજાગ્રસ્ત યુવાન અને આરોપી વચ્ચે કાર ના વેચાણ ની એન.ઓ.સી. આપવા ના પ્રશ્ને તકરાર થઈ હતી, અને આરોપીઓ એક કારમાં ધસી આવ્યા હતા, અને છરી તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધો હતો. જે મામલે પોલીસે ચારેય આરોપીઓ સામે હુમલા અને હત્યા પ્રયાસ અંગેની ફરિયાદ નોંધાવી છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઈ રહી છે.