આટકોટ નજીકથી 800 પેટી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું
SMCની ટીમે રૂપિયા 80 લાખનો દારૂ અને ટેન્કર મળી એક કરોડનો મુદ્દામાલ પકડયો; ડ્રાઇવર-ક્લીનર ફરાર
રાજકોટ સહીત રાજયભરમા પ્યાસીઓની પ્યાસ બુઝાવવા બુટલેગરો મેદાને પડયા છે અને પ્યાસીઓ સુધી દારૂની સપ્લાય કરવા અવનવા કિમીયાઓ દ્વારા દારૂ ઘુસાડવામા આવી રહયો છે. ત્યારે બુટલેગરોના પ્રયાસોને પોલીસ નિષ્ફળ બનાવી રહી હોય તેમ અવાર નવાર વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બુટલેગરોને ઝડપી લેવાયા છે. ત્યારે સૌરાષ્ટ્રમા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સપાટો બોલાવ્યો હોય તેમ મોરબી અને રાજકોટ પંથકમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. જેમા ટંકારા પાસેથી 12 લાખનો દારૂ ઝડપી લીધા બાદ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દિવ - દમણથી 800 પેટી દારૂ ભરેલુ ટેન્કર સૌરાષ્ટ્રમા આવતાની સાથેજ આટકોટ પાસેથી ઝડપી લીધુ હતુ. પોલીસે રૂ. 80 લાખની કિંમતનો દારૂ અને ટેન્કર મળી 1 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે દરોડા દરમ્યાન ટેન્કર ચાલક અને કલીનર નાસી છુટયા હતા.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ દિવ - દમણ તરફથી વિદેશી દારૂ ભરેલુ ટેન્કર જસદણ પાસેથી પસાર થઇ રહયુ હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનીક પોલીસને અંધારામા રાખી આટકોટ પાસે પાંચવડા રોડ પર વોચ ગોઠવી હતી.
જે દરમ્યાન ત્યાથી પસાર થઇ રહેલુ ટેન્કર શંકાસ્પદ જણાતા પોલીસે ટેન્કરને રોકતા ટેન્કર ચાલક અને કલીનર ટેન્કર મુકી નાસી છુટયા હતા. એસએમસીની ટીમે ટેન્કરની તલાસી લેતા ટેન્કરના ખાનામા છુપાવી રાખેલી રૂ. 80 લાખની કિંમતની 800 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ. 80 લાખની કિંમતનો દારૂ અને ટેન્કર મળી રૂ. 1 કરોડનો મુદામાલ કબજે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સૌરાષ્ટ્રમા સપાટો બોલાવ્યો હોય તેમ એક જ રાતમા મોરબી અને રાજકોટ પંથકમા બે સ્થળે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે.
જેમા ટંકારામાથી 1ર લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયા બાદ એસએમસીની ટીમે આટકોટ પાસેથી 80 લાખનો દારૂ ભરેલુ ટેન્કર ઝડપી પાડી એક કરોડનો મુદામાલ કબજે કર્યો છે. એસએમસીની ટીમે સ્થાનીક પોલીસને ઉંઘતી રાખી એકજ રાતમા બે સ્થળે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા સ્થાનીક પોલીસમા ખળભળાટ મચી ગયો છે.
આટકોટ પાસેથી રૂ. 80 લાખની કિંમતનો 800 પેટી દારૂ ભરેલુ ટેન્કર ઝડપાયા બાદ નાસી છુટેલા ટેન્કર ચાલક અને કલીનરને ઝડપી લેવા ચક્રો ગતીમાન કરી ગુનો નોંધાવવા તજવીજ હાથ ધરી છે.