ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં ટેન્કર ચાલકને માર પડ્યો: ચાર સામે ફરિયાદ
ખંભાળિયા - જામનગર હાઈવે પર આવેલી એક ખાનગી કંપનીમાં જી.જે. 14 ઝેડ 6633 નંબરનું ટેન્કર લઈને આવેલા કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામના મૂળ વતની અને હાલ જામનગર નજીક આવેલા નાઘેડી ગામે રહેતા મજબૂતસિંહ જસુભા જાડેજા નામના 28 વર્ષના યુવાન ટેન્કરમાં શીલ લગાડતી વખતે અહીં અન્ય એક આરોપી એવા બેડ ગામના દેવશી નારણ નાગેશએ પોતાનું ટેન્કર આડેથી લગાવતા ફરિયાદી મજબૂતસિંહે તેનો વિરોધ કર્યો હતો.
જેથી આરોપી દેવશી નારણ તેમજ તેની સાથે રહેલા અન્ય આરોપીઓ બેડ ગામના વિજય દેવા પરમાર, રાજેશ લાખા પરમાર અને પુંજા માલદે બોરડા નામના ચાર શખ્સોએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો કાઢી, લોખંડના કળાનો ઘા મારી ઇજાઓ કરવા સબબ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.આ સાથે નોંધાયેલી અન્ય એક પોલીસ ફરિયાદમાં ખાનગી કંપનીમાં બેડ ગામના રાજેશ લાખાભાઈ પરમાર નામના 23 વર્ષના યુવાનને ત્રણ અજાણ્યા શખ્સોએ કોઈ બાબતે બિભત્સ ગાળો ભાંડી, બેફામ માર મારી, ઈજાઓ કર્યાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ પણ અહીંની પોલીસમાં નોંધાઈ છે.