વેરાવળના ભાલપરા-મીઠાપુરના તલાટી કમ મંત્રીને ઉચાપત કેસમાં 6 વર્ષની જેલ
ગ્રામ પંચાયતમાંથી જમીન મહેસુલ અને શિક્ષણ વેરા પેટે ઉઘરાવી 4.55 લાખ સરકારમાં જમા નહીં કરતા ગુનો નોંધાયો’તો
વેરાવળ તાલુકાના ભાલપરા મીઠાપુરના તલાટી કમ મંત્રીને ઉચાપત કેસમાં કોર્ટ દ્વારા 6 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસની વિગતો આપતા સરકારી વકીલ જે.એસ.પરમાર એ જણાવેલ કે, ભાલપરા-મીઠાપુર ગામે તલાટી કમ મંત્રી તરીકે જે તે વખતે ફરજમાં રહેલ આરોપી બાબુભાઈ રણછોડભાઈ ગામોત એ તા.01/10/2009 થી તા.15/01/2011 દરમ્યાન ગ્રામ પંચાયતમાં ફરજ સમયે ભાલપરા તથા મીઠાપુર ગ્રામ પંચાયતમાંથી જમીન મહેસુલ (વિઘોટી) તથા શિક્ષણ વેરા પેટે થી રકમ જે તે આસામીઓ પાસેથી કુલ રૂૂા.6,75,268-43 પૈસા ની ઉચાપત કરેલ અને તે પૈકી રૂૂા.2,20,000 સરકારમાં ભરણુ કરી બાકી નીકળતી રકમ રૂૂા.4,55,268 ની સરકારી નાણા હોય જે સરકારી નાણુ ભરણુ નહી જેથી આ રકમ પોતાના પાસે રાખી આઇપીસી કલમ 409 મુજબનો ગુનો પોલીસમાં નોંધાયેલ હતો. આ કેસ કોર્ટમાં આવતા સરકાર તરફે સરકારી વકીલ જે.એસ.પરમાર ની દલીલોને ધ્યાને લઇ ચીફ જયુડી.મેજી. પી.યુ.અંધારીયા એ આરોપી બાબુ રણછોડ ગામોત તલાટી કમ મંત્રી ભાલપરા-મીઠાપુર વાળા ને 6 વર્ષ કેદની સજા તથા રૂૂા.4,50,683 તા.19/11/2013 ના રોજથી 9 ટકા સાદા વ્યાજ સાથે રકમ ચુકવવા હુકમ કરેલ અને જો ઉચાપતની રકમ આરોપી ન ચુકવે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા અલગ થી ભોગવવાનો હુકમ કરેલ હોવાનું જણાવેલ છે. આ કેસમાં સરકાર પાસે સરકારી વકીલ જે.એસ. પરમાર રોકાયા હતા.