સુત્રાપાડા પોલીસે બે વર્ષથી ફરાર સાયબર છેતરપિંડીનો આરોપી ઝડપ્યો
સુત્રાપાડા પોલીસે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સાયબર છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી જયેશ ઉર્ફે ડેવિલ ઝાલા ઉ.વ.23 છેલ્લા બે વર્ષથી પોલીસથી ફરાર હતો. આરોપી મોબાઇલ ખરીદ-વેચાણની જાહેરાતોમાં છેડછાડ કરી પોતાનો મોબાઇલ નંબર મૂકતો હતો. ગ્રાહકો પાસેથી ઓનલાઇન પેમેન્ટ મેળવ્યા બાદ ફોન બંધ કરી દેતો હતો. આરોપી સામે રાજકોટ, સુરત, જૂનાગઢ અને ગીર સોમનાથમાં કુલ 6 ગુના નોંધાયેલા છે.
જુનાગઢ રેન્જ આઇજીપી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ સુત્રાપાડા પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી હાલ રાજકોટના પ્લેટિનિયમ હાઇટ્સમાં રહે છે અને મૂળ વતન સુત્રાપાડાનો છે. તેની સામે ભક્તિનગર, સુત્રાપાડા, એ-ડિવિઝન રાજકોટ, સલાબતપુરા સુરત, વરાછા સુરત અને કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-35(1)(જે) મુજબ અટક કરવામાં આવી છે.