સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાંથી 1916 કિલો અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
21 કટ્ટા ઘઉં, 19 કટ્ટા ચોખા અને બે વાહનો સહિત રૂા.3.24 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધરી લક્ષ્મીપરા વિસ્તારમાંથી શંકાસ્પદ અનાજનો 3.24 લાખની કિંમતનો 1916.59 કિલો જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ મામલતદાર સહિતની ટીમે બાતમીના આધારે દુધરેજ રોડ પર આવેલી લક્ષ્મીપરા શેરી નં.4 (એકતા પાન સેન્ટરવાળી ગલી)માં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.
જેમાં એક લોડિંગ રિક્ષા તેમજ અન્ય એક રિક્ષામાંથી અનાજના 40 કટ્ટા મળી આવ્યો હતો. જેમાં 21 કટ્ટા ધઉં વજન 1,060.41 કિલો તથા 19 કટ્ટા ચોખા વજન 856.18 કિલો સહિતનો અનાજનો ગેરકાયદેસર તેમજ શંકાસ્પદ જથ્થો કુલ કિંમત રૃા.1,04,426 સહિત બે વાહનો કિંમત રૃા.2,20,000 મળી કુલ રૃા.3,24,426નો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ગેરકાયદે રીતે અનાજના જથ્થાનો સંગ્રહ કરી તેનું વેચાણ અને હેરફેરી કરવામાં આવતી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે. જ્યારે શહેરી વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં અનાજનો જથ્થો ઝડપાતા ગેરકાયદેસર અનાજની હેરાફેરી અને સંગ્રહ કરતા શખ્સોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.