શેરબજારમાં રોકાણનાં નામે સુરતના શખ્સે 1.5 કરોડનું ફૂલેકુ ફેરવ્યું
રાજકોટ શહેરના લોકો પાસે શેરબજારમાં રોકાણ કરાવી અને વધુ વળતરની લાલચ આપી રૂા.1 કરોડનું ફુલેકુ ફેરવ્યાની અરજી તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવી છે. આ અરજીમાં બે મિત્રોએ 31 લાખ રૂપિયા ગુમાવતાં સુરતના શખ્સ સામે કાર્યવાહી કરવા માટે તાલુકા પોલીસ મથકમાં પીઆઈને લેખિત અરજી કરી હતી. અરજી મુજબ તાલુકા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ, 150 ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે સ્કાય હાઈટસમાં રહેતાં ભાવેશ ચંદુલાલ સોલંકી નામના યુવાને સુરતના લોન વ્યવસાયી દિવ્યેશ કાંતિલાલ ત્રાળા (રહે.ફલેટ નં.એ-301, શાલીગ્રામ ફલોરા, જે.ડી.ડાયમંડ સ્કૂલવાળી શેરી, પાસોદરા, સુરત) અને તેમની (ઓફિસ 212-213 ડ્રીમલેન્ડ બિલ્ડીંગ નિર્મલનગર પાસે, સરથાણા જકાતનાકા સુરત) સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં ભાવેશભાઈએ લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, તેઓના મિત્ર ધવલભાઈ રમેશભાઈ અમરેલીયા અને પોતે ધંધાના કામે ડિસેમ્બર 2023માં દિવ્યેશભાઈ ત્રાળા સંપર્કમાં આવ્યા હતાં અને તેઓએ એક લોન કેસ આપ્યો હતો. ત્યારબાદ દિવ્યેશભાઈએ પોતાની ઓળખ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે આપી હતી. પોતે શેર માર્કેટમાં પોર્ટફોલીયો બહુ મોટો મેનેજ કરે છે તેવું કહ્યું હતું અને શેરબજારમાં રોકાણના ફાયદા વિશે થોડી સમજ આપી હતી. પરંતુ ફરિયાદી ભાવેશભાઈ અને ધવલભાઈને શેરબજાર વિશે કોઈ માહિતી ન હોય તેથી તેમણે રોકાણ કરવાની ના પાડી દીધી હતી. માર્ચ 2024માં ફરિયાદીએ આર.કે.સુપ્રીમ બિલ્ડીંગમાં ઓફિસ ભાડે રાખીને મે-2024ના નવી ઓફિસમાં ભાવેશભાઈ અને ધવલભાઈ સીફટ થયા હતાં ત્યારબાદ દિવ્યેશભાઈએ સુરતથી વારંવાર ફરિયાદીની મુલાકાત લઈ અને તેઓને પણ રાજકોટ ઓફિસ કરવી છે તેવું જણાવતાં હતાં.
ત્યારબાદ ફરિયાદી ભાવેશભાઈએ ત્યાં નજીકમાં 616 નંબરની ઓફિસ ભાડે અપાવી હતી. જેનું ઉદઘાટન જૂન 2024માં તેઓએ કર્યુ હતું. ત્યારબાદ દિવ્યેશભાઈ પણ લોનનો વ્યવસાય કરતાં હતાં અને પોતે સુરત અને રાજકોટ ઓફિસ વચ્ચે આંટાફેરા કરતાં હતાં. રાજકોટની ઓફિસમાં ભાગીદાર તરીકે તેના મામાના દીકરા અને અન્ય સંબંધી બેસતાં હતાં. જે ઓફિસ અચાનક ડિસેમ્બર 2024માં બંધ કરી દીધી હતી. આમ આરોપીએ ફરિયાદીનો વિશ્ર્વાસ કેળવવા માટે ઓફિસ કરી હતી તેમજ શેર માર્કેટમાં મહીને 7 ટકા નફો આપવાની લાલચે ભાવેશભાઈ અને ધવલભાઈ પાસેથી કટકે કટકે રૂા.31 લાખ લીધા હતાં અને આ સમયે આરોપીએ પ્રોમીશરી નોટ પણ લખી આપી હતી. ત્યારબાદ નવેમ્બર 2024માં નફો આપવામાં આરોપીએ ગલ્લા તલ્લા કરતાં અને નફો પરત માંગતા તેઓ મુદત આપવા લાગ્યા હતાં. ફેબ્રુઆરી 2025માં આરોપીએ કહ્યું કે તેઓનું મોટુ પેમેન્ટ આવવાનું છે ત્યારે હું તમને તમારા પૈસા પાછા આપી દઈશ. આમ છતાં આરોપીએ પૈસા આપ્યા ન હતાં અને ધવલભાઈ રૂબરૂ સુરત જતાં તેઓને 21 એપ્રિલની મુદત આપી ચેક લખીને આપ્યા હતાં.
આ સમયે દિવ્યેશભાઈએ ધવલને તા.1નાં રોજ ચેક બેંકમાં નાખી દેવા કહેલું હતું અને ધમકી આપી હતી કે હવે પૈસા માંગશો તો હું આપઘાતનો પ્રયાસ કરીશ અને હોસ્પિટલમાં તમારા બધાના નામ લખાવી દઈશ અને પોતે સુરત પોલીસમાં સારા સંબંધ છે તમને ખોટા કેસમાં ફીટ કરાવી દઈ તેવી ધમકી આપી હતી અને આ સમયે તેમના ચેક ખાતામાં નાખતા બાઉન્સ થયા હતાં. ત્યારબાદ દિવ્યેશભાઈના જુના ભાગીદાર સંદીપભાઈ કાનાણી પાસેથી જાણવા મળ્યું હતું કે દિવ્યેશભાઈ દોઢ કરોડ રૂપિયાનું ફુલેકુ ફેરવી ભાગી ગયા છે અને 10 થી 12 વ્યક્તિ તેમની પાસે પૈસા માંગે છે. આ મામલે ફરિયાદી ભાવેશભાઈ અને ધવલભાઈએ તાલુકા પોલીસ મથકમાં છેતરપીંડીની લેખિત અરજી આપી હતી.