કેશોદમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, વૃધ્ધ પર બે આખલાએ હુમલો કરતાં મોત
કેશોદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાએ એક વૃદ્ધનો જીવ લીધો છે. શ્રદ્ધા સોસાયટીના 65 વર્ષીય રહીશ પ્રવીણભાઈ મહેતા પર બે રખડતા આખલાઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પ્રવીણભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મૃતકના પરિવારજનોએ નગરપાલિકાની બેદરકારીને આ ઘટના માટે જવાબદાર ગણાવી છે. પોલીસે આ મામલેઅકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂૂ કરી છે. કેશોદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ લાંબા સમયથી ચાલી રહ્યો છે, જે હવે જીવલેણ સાબિત થયો છે.
મૃતકના પુત્ર દેવાંગ મહેતાએ જણાવ્યું હતું કે, મારા પપ્પા દરરોજની જેમ વહેલી સવારે એરપોર્ટ રોડ પર વોકિંગ માટે ગયેલા. વોકિંગ પૂરી કરીને જ્યારે તેઓ પોતાની બાઈક લઇ ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે હનુમાન મંદિર પાસે બે આખલાઓ બાખડ્યા હતા. એ જ સમયે એક આખલાએ મારા પપ્પા પર સીધો હુમલો કર્યો. જેથી મારા પપ્પાનું માથું જોરથી જમીન પર અથડાયું હતું. જેથી તેઓને પ્રથમ કેશોદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યાં. પણ દુર્ભાગ્યવશ રસ્તામાં તેમનું અવસાન થયું હતું.
આ નગરપાલિકાની સ્પષ્ટ બેદરકારી છે: મૃતકના પુત્ર દેવાંગ મહેતાએ કડક આક્ષેપ કરતાં જણાવ્યું કે, મારા પિતાનું મોત કોણે કર્યું? આવા રખડતા ઢોરની જવાબદારી નગરપાલિકા પર છે. જો સમયસર એ આખલાઓ પકડવામાં આવ્યા હોત, તો આજે મારા પપ્પા મારી સામે હોત. હવે માગ છે કે તંત્ર આવી ઘટનાને માત્ર અકસ્માત ન ગણે પરંતુ રખડતા ઢોરને લઈ કાર્યવાહી કરે.
રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, તંત્ર કોઈ પગલા નથી લઈ રહ્યું ઘટનાની માહિતી મળતાં કેશોદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતકના પુત્રના જણાવ્યાંના આધારે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.