જૂના યાર્ડ પાસે વધુ બે ખાનગી બસ પર પથ્થરમારો
રાજકોટમાં ફરી ખાનગી ટ્રાવેલ્સની બસો ઉપર ભેદી રીતે પથ્થરમારની ઘટના બની છે. આજી ડેમ ચોકડી થી માર્કેટયાર્ડ તરફ જતા હાઈવે પર મધરાતે વધુ બે ખાનગી ટ્રાવેલ્સની બસ પર પથ્થરમારો થતાં ડ્રાઈવર અને મુસાફરો ફફડી ઉઠ્યા હતા. છેલ્લા પાંચ માસમાં આ ચોથી અને એક વર્ષમાં આ પાંચમી ઘટના બની છે, જેને પગલે ચકચાર મચી ગઇ હતી, જોકે પથ્થર કોણે એને શા માટે માર્યા હતા તે બાબતે ડ્રાઇવર સહિતનાઓ અજાણ છે.
છેલ્લા એક વર્ષથી બનતી આવી ઘટનાની ફરિયાદ પોલીસને કર્યા છતાં પોલીસ કોઈ પગલા નહી લેતી હોવાનો આક્ષેપ ખાનગી ટ્રાવેલ્સના ચાલકો કયો છે. ગોંડલ ચોકડીથી આજી ડેમ ચોકડી અને જૂના માર્કેટિંગ યાર્ડ નજીક છેલ્લા એક વર્ષથી ખાનગી ટ્રાવેલ્સની બસો ઉપર પથ્થરમારાની ભેદી ઘટના બની રહી છે. ગત તા 21/08/2025ના છ જેટલી બસ પર અને 21/11/2025ના રોજ 8 થી 10 બસ ઉપર પથ્થરમારો થયો હતો. આજી ડેમ ચોકડી અને જૂના માર્કેટિંગ યાર્ડના વચ્ચેના રસ્તે બનેલી આ ભેદી ઘટનામાં પોલીસના હાથ પણ હેઠા પડ્યા છે. ગઈકાલે રાતે સુરત રૂૂટની રામનાથ ટ્રાવેલ્સ અને સાગર ટ્રાવેલ્સની બે બસ ઉપર ફરી પથ્થરમારો થયો હતો અને બસના આગળના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા.