રાજકોટમાં ફરી ખાનગી બસો ઉપર ભેદી પથ્થરમારો
ચાર માસમાં ત્રીજી ઘટના, મધરાત્રે અજાણ્યા શખ્સોએ 8થી 10 બસો ઉપર પથ્થરમારો કરતા મુસાફરો ફફડી ઉઠયા
એક વર્ષમાં ચોથી ઘટના છતા પોલીસ કોઇને પકડી શકતી નથી: ટ્રાવેલ્સ એસોસિએશનના હોદ્દેદારોનો આક્રોશ
રાજકોટના ગોંડલ બાયપાસ ઉપર જુના માર્કેટ યાર્ડ નજીક ગત રાતે 11 વાગ્યા આસપાસ અજાણ્યા શખ્સોએ 8થી 10 ખાનગી લકઝરી બસો ઉપર પથ્થરમારો કરી તોડફોડ કરતા મુસાફરો ફફડી ઉઠયા હતા. મધરાત્રે બસો ઉપર થયેલા પથ્થરમારાના પગલે બાયપાસ ઉપર ભારે દેકારો મચી જતા આજીડેમ પોલીસ પણ દોડી ગઇ હતી. પરંતુ વધુ એક વખત પથ્થરબાજો હવામાં ઓગળી ગયા હતા. બાયપાસ ઉપર છેલ્લા ચાર માસમાં આ ત્રીજી વખત ખાનગી બસો ઉપર ભેદી પથ્થરમારો થયો છે. પરંતુ આજ સુધી પથ્થરબાજોને પોલીસ પકડી નહીં શકતા પોલીસની ભુમિકા સામે પણ સવાલો ઉઠયા છે.
મળતી માહિતી મુજબ શહેરના ગોંડલ બાયપાસ ઉપર માર્કેટ યાર્ડ અને આજીડેમ ચોકડી વચ્ચે રાત્રે 11 વાગ્યા આસપાસ પસાર થતી 8 થી 10 ખાનગી બસો ઉપર અચાનક જ અજાણ્યા શખ્સોઅજે પથ્થરમારો કરી કાચ ફોડી નાખતા મુસાફરોમાં ભારે દેકારો મચી ગયો હતો. સદનશીબે કોઇ ડ્રાઇવર કે, મુસાફરોને ઇજા થવા પામી ન હતી.
રાજકોટમાં ફરી ખાનગી ટ્રાવેલ્સની બસો ઉપર ભેદી રીતે પથ્થરમારની ઘટના બની છે. આજી ડેમ ચોકડી થી માર્કેટયાર્ડ તરફ જતા હાઈવે પર મધરાતે 8 થી 10 જેટલી ખાનગી ટ્રાવેલ્સની બસ પર પથ્થરમારો થતાં ડ્રાઈવર અને મુસાફરો ફફડી ઉઠ્યા હતા. છેલ્લા ચાર માસમાં ત્રીજી અને એક વર્ષમાં આ ચોથી ઘટના બની છે જેને પગલે ચકચાર મચી ગઇ હતી, જોકે પથ્થર કોણે એને શા માટે માર્યા હતા તે બાબતે ડ્રાઇવર સહિતનાઓ અજાણ છે. છેલ્લા એક વર્ષથી બનતી આવી ઘટનાની ફરિયાદ પોલીસને કર્યા છે. પોલીસ કોઈ પગલા નહી લેતી હોવાનો આક્ષેપ ખાનગી ટ્રાવેલ્સના ચાલકો કયો છે. જોકે પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. ગોલ્ડ રોડ ચોકડીથી આજી ડેમ ચોકડી અને જૂના માર્કેટિંગ યાર્ડ નજીક હાઉસિંગ બોર્ડ પાછળના હાઇવે પર છેલ્લા એક વર્ષથી ખાનગી ટ્રાવેલ્સની બસો ઉપર પથ્થરમારાની ભેદી ઘટના બની રહી છે.
ચાર માસમાં બનેલી આ ત્રીજી ઘટનાચ છે. ગત તા 21/08/2025ના રોજ પણ આજી ડેમ ચોકડી અને જૂના માર્કેટિંગ યાર્ડના રસ્તે ત્રણ અલગ અલગ સ્થળે ખાનગી ટ્રાવેલ્સની છ જેટલી બસ પર પથ્થમારો થયો હતો અને બસના આગળના ભાગના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. જે તે વખતે પોલીસને જાણ કર્યા છતાં આ ઘટનામાં કોણ સંડોવાયેલ છે, તે બાબતે કોઈ માહિતી મળી ન હતી. ચાર માસ બાદ ગઈ કાલે રાતે પણ આજી ડેમ ચોકડી અને જૂના માર્કેટિંગ યાર્ડના રસ્તે નીકળેલી 8 થી 10 બસ ઉપર પથ્થરમારો કરી બસના આગલા કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં આજી ડેમ અને થોરાળા પોલીસની ટીમ દોડી ગઈ હતી. પોલીસે બસના ડ્રાઇવર અને મુસાફરો સહિતનાઓની પૂછપરછ કરી હતી. આ બાબતે ડ્રાઈવરે કહ્યું હતું કે, પથ્થર કોણે માર્યો અને કઈ દિશામાંથી આવ્યો તે ધ્યાનમાં આવ્યું નહોતું.
છેલ્લા એક વર્ષની બનતી આ ભેદી ઘટનામાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં એક જ પદ્ધતિથી આગળની સાઈડમાં પથ્થરમારો થાય અને તેની કોઈને જાણ ન થાય તે બાબત રહસ્યમય બની હતી. ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા.ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવરોએ બસ હાઈવે ઉપર રોકી દીધી હતી અને મુસાફરો પણ ભયભીત બન્યા હતા. 10 જેટલી ખાનગી ટ્રાવેલ્સના ચાલકોએ ઘટનાને બાદ બસ રસ્તા ઉપર રોકી દેતા આજી ડેમ ચોકડી થી માર્કેટયાર્ડ તરફ જતા હાઈવે ઉપર ચકકાજામ થઇ ગયા હતા. જેના કારને ટ્રાફિક જામ થઇ ગયો હતો.
ખાનગી ટ્રાવેલ્સના ચાલકોએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા એક વર્ષથી પથ્થરમારાની ઘટના બને છે છેલ્લા ચાર મહિનામાં આ ત્રીજી ઘટના છે આ મામલે પોલીસને જાણ કરવામાં આવ્યા છતાં પોલીસ કોઈ પગલાં લેતી નથી જેના કારણે આ રસ્તેથી બસ લઇને નીકળવામાં મોટો અકસ્માત થવાનો ભય રહે છે. આ ઘટના બાદ આ વિસ્તારના લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા. લોકોમાં એવી ચર્ચા થતી હતી કે, કેટલાક શખ્સો મોટરસાયકલ ઉપર નીકળા હતા અને હાઈવે પર કોઈનું ધ્યાન પડે નહીં તે રીતે પથ્થરમારો કરી ટિખ્ખળ કરી હતી. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે.
એક જ મોડસ ઓપરેન્ડીથી બસ ઉપર પથ્થરમારો
છેલ્લા એક વર્ષથી રાજકોટના ગોંડલ રોડ બાયપાસથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચે માર્કેટીંગ યાર્ડ આસપાસ બનતી પથ્થરમારાની ઘટનામાં ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોએ જણાવ્યું હતું કે આ એક જ મોડસ ઓપરેન્ડીથી છેલ્લા એક વર્ષથી બસ ઉપર પથ્થરમારો થાય છે. એક વર્ષમાં આશરે 50થી વધુ બસોના કાચ ફોડી નાખવામાં આવ્યા હોય આ કોઇ એકજ ટોળકીનું કૃત્ય છે. રસ્તેથી પસાર થતી બસમાં પથ્થરમારાથી મોટો અકસ્માત થવાનો પણ ભય છે. પથ્થરમારો કરનાર કોણ અને તેને ઉદ્દેશ્ય શું? તે સહીતની બાબતો પર હજી સુધી પોલીસ પણ કોઇ તથ્ય ઉપર પહોંચી નથી. પરંતુ એક જ પધ્ધતીથી થતા હુમલાથી ટ્રાવેલ્સ સંચાલકોમાં ભારે રોષ છે અને ડ્રાઇવરો ભયભીત બન્યા છે.