જૂનાગઢમાં શેરબજારની ટીપ્સનું કૌભાંડ; 10 લાખ ડિમેટ ખાતાનો ડેટા મળ્યો
કેશોદના શખ્સ દ્વારા ટીપ્સના નામે લોકોને ખંખેરવાનું કારસ્તાન, ગેરકાયદે ઓફિસ પર પોલીસનો દરોડો
જૂનાગઢના કેશોદમાં એક ઓફિસમાં બેસી શેરબજારની ટીપ્સ આપી લોકોને ખંખેરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી 10 લાખ કરતા વધુ ડિમેટ એકાઉન્ટની વિગતો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી રવિ ગોહિલ આ ખાતાધારકોને ફોન કરી શેરબજારની ટીપ્સ આપવાનું કહી વોટસએપ ગ્રુપમાં જોડી ફી વસૂલતો હતો. પોલીસે આરોપીની ઓફિસમાં થી કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
LCB પોલીસને બાતમી મળી હતી કે, કેશોદના દેવાણીનગરનો રહેવાસી રવિ રસિકભાઈ ગોહિલ નામનો શખ્સ સરસ્વતી માર્કેટમાં બીજા માળે ગણેશ ઓફસેટ નામની પોતાની ઓફિસમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે. રવિ ગોહિલ પોતે શેરબજારનો કોઈ નિષ્ણાત ન હોવા છતાં ઓનલાઈન માર્કેટિંગ દ્વારા ભારતના વિવિધ રાજ્યોના લોકોના ડિમેટ એકાઉન્ટનો ડેટા ગેરકાયદેસર રીતે મેળવતો હતો.
આ ડેટાનો ઉપયોગ કરીને તે લોકોને ફોન કરતો અને તેમને શેરબજારમાં મોટા નફાનું આકર્ષણ આપતો હતો. શરૂૂઆતમાં તે લોકોને પોતાના પમારુતિ કેપિટલથ નામના ફ્રી વોટ્સએપ ગ્રુપમાં જોઇન્ટ કરતો અને ડેમો ટિપ્સ આપતો હતો. એકવાર રોકાણકારોને તેમાં રસ પડવા લાગતો, ત્યારે તે તેમને પમારુતિ કેપિટલ પ્રીમિયમ ગ્રુપમાં જોડીને ટિપ્સ આપવાના નામે તગડી ફી વસૂલતો હતો. આ રીતે તે અનેક લોકો સાથે ઠગાઈ કરતો હતો.
જૂનાગઢ LCB ની ટીમે તાત્કાલિક આ ઓફિસ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસને ઓફિસમાંથી બે કોમ્પ્યુટર સ્ક્રીન, સીપીયુ, યુપીએસ, બે મોબાઈલ ફોન, એક રાઉટર, પેન ડ્રાઇવ અને મોટા પ્રમાણમાં ગ્રાહકોના ડેટા સાથેની બુક્સ મળી આવી હતી.
પેન ડ્રાઇવમાં કુલ 10,04,415 જેટલા ડિમેટ એકાઉન્ટ ધારકોનો ડેટા મળી આવ્યો છે, જેમાં નામ, મોબાઈલ નંબર, ઈ-મેલ એડ્રેસ, શહેર અને દેશ જેવી માહિતીઓનો સમાવેશ થાય છે. LCB પોલીસે આરોપી રવિ ગોહિલની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, રવિ ગોહિલે સેબીમાં કોઈ રજિસ્ટ્રેશન કરાવેલું નથી. માત્ર એકાઉન્ટ ધારકો સાથે ઠગાઈના ઈરાદા સાથે વિગતો મેળવી ટીપ્સ આપતો હતો અને તેના બદલામાં ચાર્જ વસૂલ કરતો હતો. સેબીની ગાઈડલાઈન મુજબ કોઈ વ્યકિત સ્ટોક માર્કેટમાં ક્યાં ઈન્વેસ્ટમેન્ટ કરવું તેની ટીપ્સ આપી ચાર્જ વસૂલ કરતો હોય તો તેનું ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર અને રિસર્ચ એનાલિસ્ટ આ બંનેમાંથી કોઈ એક ફોરમમાં તેનું રજિસ્ટ્રેશન થયેલું હોવું ફરજિયાત છે. આ આરોપીએ કોઈ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવેલું નથી.