વીમો પકાવવા પુત્રએ પિતાની હત્યા કરી બનાવ અકસ્માતમાં ખપાવી દીધો
શંકાસ્પદ બનાવમાં ફોરેન્સિક પી.એમ. રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો, સગા દીકરાએ પિતરાઇભાઇ સાથે મળી કુહાડીના ઘા ઝીંકી પિતાની હત્યા કર્યા બાદ બાઇક સ્લિપ થયાનું ત્રાગુ રચ્યું
ઇઝરાયલ જવા માટે 16 લાખનો ખર્ચ કાઢવા પિતાની હત્યા કરી 60 થી 70 લાખ પકાવવાનો પ્લાન ઉંધો પડ્યો, બન્ને આરોપીની ધરપકડ
ભાયાવદરનાં રાજપરા ગામે રહેતા કાનાભાઇ મેરુભાઇ જોગની તેનાજ ભત્રીજા વિરમ ભુપત જોગ એ બોથડ પદાર્થનાં ઘા ઝીકી હત્યા કર્યા બાદ હત્યાનાં બનાવને અકસ્માતમા ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો . જો કે પોલીસને બનાવ શંકાસ્પદ લાગતા ફોરેન્સીક પોસ્ટમોર્ટમમા હત્યા થયાનુ ખુલ્યુ હતુ અને પોલીસે વિરમને શકંજામા લઇ પુછપરછ કરતા તેણે કબુલાત આપી હતી કે મૃતક કાનાભાઇનો દીકરો રામદેને ઇઝરાયલ જવુ હોય વીમો પકવવા માટે પિતાની હત્યાનું કાવતરું ઘડ્યુ હોવાનું બહાર આવતા બન્નેની ધરપકડ કરી હતી.
ફરીયાદ મુજબ ભાયાવદરના રાજપરા ગામે રામ મંદિર પાસે રહેતા દેવીબેન કાનાભાઈ જોગ(મેર)(ઉ.22) એ પોતાની ફરિયાદમાં તેમના પિતરાઈ ભાઈ વિરમ ભુપતભાઈ જોગ સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં દેવીબેન એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા કાનાભાઈ અને માતા રુપીબેન ચારોલીયા ગામે આવેલી આઠ વીઘા જમીનમાં ખેતી કામ કરી પરિવારને ચલાવે છે.
કાકા ભુપતભાઈનો દીકરો વિરમ જેના પાંચેક વર્ષ પહેલા તેમની પત્ની વનિતા બહેન સાથે છૂટાછેડા થઈ ગયા હોય જેથી વિરમભાઈ પહેલા કેશુભાઈના ઘરે જમતા હતા અને છેલ્લા ત્રણ ચાર અઠવાડિયાથી દેવીબેનના ઘરે જમે છે.
આ ઘટના બાદ તા.9/12ના રોજ દેવીબેન અને તેમના પરિવારજનો ઘરે હતા ત્યારે તેમને વિરમે ફોન કરી જણાવ્યું કે કાકા કાનાભાઈ સ્કૂટર ઉપરથી પડી ગયા છે અને તેમને ઇજા થઈ છે અને તેઓને વાડીએ આવવાનું કહેતા તમામ પરિવારજનો વાડીએ પહોંચ્યા હતા ત્યારે ત્યાં જઈને વાડીની રૂૂડીમાં જોયું તો કાનાભાઈ મેરૂૂભાઈ જોગ કે જેઓ મૃત હાલતમાં પડ્યા હતા. તેમને કપાળ અને નેણ તેમજ મોઢે ઇજા થઈ હતી અને તેમને લોહી નીકળતું હતું આ સમયે જણાવ્યું કે,કાકા બાઈક લઈને ઢાક તરફ જતા હતા ત્યારે તેમનું બાઈક સ્લીપ થયું હતું અને હું તેમને અહીં લાવ્યો છું. આ ઘટના બાદ ભાયાવદર પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તેમને બનાવ શંકા સ્પદ લાગતા મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
આ ઘટનામા રાજકોટ જીલ્લા એસ. પી. વિજયસિંહ ગુર્જરનાં અને ધોરાજી ડીવીઝનનાં ડીવાયએસપી સીમરન ભારદ્વાજનાં માર્ગદર્શન હેઠળ ભાયાવદર પીઆઇ વી. સી. પરમાર અને સ્ટાફનાં પીએસઆઇ રાખોલીયા , રોહીતભાઇ , દીનેશભાઇ અને ભાવેશભાઇ સહીતનાં સ્ટાફે વિરમને ઉઠાવી લઇ તેની પુછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને તેમણે કબુલાત આપી હતી કે કાકા કાનાભાઇની હત્યા પાછળ તેમનો પુત્ર રામદે પણ સામેલ છે અને રામદેને ઇઝરાયલ દેશમા નોકરી કરવા માટે જવુ હોય જેનાં માટે અંદાજે 16 લાખ રૂપીયા જેટલો ખર્ચ થતો હોય એકાદ વર્ષ પહેલા તેમણે પિતાનાં નામનો એચડીએફસીમા વીમો ઉતરાવ્યો હતો અને તેનાં પિતાનુ મૃત્યુ થાય તો તેને 60 થી 70 લાખ મળે તેમ હતા . વીમાનુ બીજુ પ્રીમયમ ભરવાનો સમય પણ થઇ ગયો હતો જેથી રામદેએ તેનાં મોટાબાપુના દીકરા વીરમને હત્યા કર્યા બાદ એક લાખ રૂપીયા આપવાનુ વચન આપ્યુ હતુ અને જીવે ત્યા સુધી ભોજન આપવાનુ જણાવ્યુ હતુ. હાલ પોલીસે મૃતકનાં પુત્ર રામદે કાના જોગ અને ભત્રીજા વીરમ ભુપત જોગની ધરપકડ કરી છે.
ઝેર ભેળવેલું કોલ્ડ્રિંકસ પાયું પણ ઉલ્ટી થઇ જતા કુહાડીના ઘા ઝીંકયા
પોલીસે મૃતકનાં પુત્ર રામદે અને ભત્રીજા વિરમની ધરપકડ થયા બાદ બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યુ કે કાનાભાઇની હત્યા કરવા માટે સૌ પ્રથમ પુત્રએ તેમને ઝેર ભેળવેલુ કોલ્ડ્રીંક આપ્યુ હતુ . જે પીધા બાદ કાનાભાઇને ઉલ્ટી થઇ જતા તેનુ મૃત્યુ થયુ ન હતુ બાદમા રામદેએ તેનાં પિતાને કુહાડી વડે માર નાખવા વીરમને જણાવતા વીરમે કાનાભાઇને વાડીએ લઇ જઇ દારુ પીવડાવી અને વાડીની ઓરડીમા સુવડાવી કુહાડીનો જીવલેણ ઘા મારી હત્યા નીપજાવી હતી.