જોડિયાના પીઠડ ગામે સસરાના ઘરમાં જમાઈનો હંગામો, તોડફોડ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામમાં પોતાના સસરાને ઘેર મોરબીના ટંકારાથી આવેલા એક જમાઈએ હંગામો મચાવ્યો હતો, અને રીસામણે બેઠેલી પોતાની પત્નીને તેડવા ના બહાને હંગામો મચાવી બોલેરો જીપ વડે મકાનના દરવાજાને નુકસાની પહોંચાડી હતી, અને છરી બતાવી ધાક ધમકી આપી હોવાથી મામલો જોડિયા પોલીસ મથકમાં લઈ જવાયો છે.
આ બનાવ ની વિગત એવી છે કે જોડિયા તાલુકાના પિઠડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતાં આયદાનભાઈ જીવાભાઈ ગોગરા નામના 60 વર્ષના બોરીચા આહીર ખેડૂત બુઝુર્ગે પોતાના મકાનમાં બોલેરો જીપ ભટકાઈ તોડફોડ કરવા અંગે અને છરી વડે પોતાને ધાક ધમકી આપવા અંગે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગજડી ગામના વતની પોતાના જમાઈ નાગજીભાઈ માણંદભાઈ જારીયા સામે જોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી આયદાન ભાઈની પુત્રી મિતલબેન કે જે છેલ્લા એકાદ મહિનાથી રીસામણે બેઠી હતી, અને પોતાના સાત વર્ષના પુત્ર દેવને લઈને માવતરે આવી ગઈ હતી. જેને પરત તેડી જવા માટે આવેલા જમાઈ નાગજીભાઈ જારીયાએ હંગામો મચાવ્યો હતો, અને છરી વડે ધાક ધમકી આપી બળ જબરી થી પત્ની અને પુત્રને પરત લઈ જવા માટેનો પ્રયાસ કર્યો હતો, અને સાથે નહીં આવતાં પોતાની બોલેરો પીકઅપ વેન કે જેને સસરાના મકાનના દરવાજામાં અથડાવીને નુકસાની પહોંચાડી હતી. જોડીયા પોલીસે હંગામો મચાવીને ભાગી છૂટેલા જમાઈ નાગજીભાઈ જારીયા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.