લીંબડી પંથકમાં તહેવાર ટાણે જ તસ્કરો ત્રાટક્યા: રોકડ-દાગીનાની ચોરી
લીંબડી તાલુકાના જાખણ, ભલગામડા અને આણંદપુર ગામે તહેવાર ટાણે તસ્કરો ત્રાટક્યા હતા. ત્રણેય ગામના 3 મકાનોના તાળા તોડી પાંચ તોલા સોના, દોઢ કિલો ચાંદીના દાગીના અને રૂ.95,000 રોકડની ઉઠાંતરી કરીને પોલીસને પડકાર ફેંકી ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી.
લીંબડી તાલુકાના ભલગામડા ગામે રહેતા દિલીપભાઈ મનસુખભાઈ ત.કોળી ગુરૂવારે પત્ની ભાવિકા સાથે ખેત મજૂરીએ ગયા હતા. બપોરે પરત આવ્યા તો ઘરમાં સામાન વેર વિખેર હતો. તિજોરીમાં રાખેલા 3 તોલા સોનાનો હાર, 1 તોલા સોનાની કંઠી, અડધા તોલા સોનાની વીંટી, તુવશી ક્યારો, ગાય, ઝાંઝર, કડલી મળીને 500 ગ્રામ ચાંદીની ચોરી થઈ ગઈ હતી. જાખણ ગામના ચંદ્રિકાબેન અરવિંદભાઈ વણકર દાદી મણિબેન સાથે રહી અભ્યાસ અને છૂટક મજૂરી કામ કરતા હતા. ગુરૂવારે સવારે દાદી મણિબેન સુરેન્દ્રનગર ગયા હતા.
ચંદ્રિકા ઘરે એકલા હતા. ચંદ્રિકા ઘરના દરવાજે કડી લગાવી પાડોશીને ત્યાં છાશ લેવા ગયા હતા. પરત આવતાં જોયું કે, તિજોરીમાં રાખેલ અડધા તોલા સોનાનું કડુ, છડા, કમર પટ્ટો મળીને 800 ગ્રામ ચાંદીના દાગીના અને 70,000 રોકડા રૂપિયા જોવા મળ્યા નહોતા. ભાલના આણંદપુર ગામના રણજિતસિંહ ઝાલા પરિવાર સાથે કામ અર્થે બહારગામ ગયા હતા ત્યારે ચોર ટોળકીએ તિજોરી તોડી 200 ગ્રામ ચાંદીના દાગીના અને રૂ.25,000ની ચોરી કરી હતી.