મેટોડામાં પરિવારને રૂમમાં બંધ કરી તસ્કરો 2.80 લાખની મતા ચોરી ગયા
મકાનના ઉપરના રૂમમાં સુતેલા પરિવારને સવારે પાડોશીએ દરવાજો ખોલી બહાર કાઢયા
રાજકોટની ભાગોળે મેટોડામાં આવેલા જીગ્નેશ પાર્કમાં રહેતા મુળ ધંધુકાના જાંજરકા ગામના વતની એવા રિક્ષા ચાલક અને તેના પરિવારને ઉપરના રૂમમાં સુતા હતાં ત્યારે દરવાજો બંધ કરી તસ્કરો નીચેના રૂમમાંથી રોકડ અને દાગીના સહિત 2.80 લાખની મત્તા ચોરી ગયા હતાં. જે મામલે મેટોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આ મામલે તસ્કરોનું પગેરૂ મેળવવા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ ધંધુકાના જાંજરકા ગામના વતની દિનેશભાઈ પ્રેમજીભાઈ વાણીયા છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસી ગેઈટ નં.1 પાસે આવેલ જીગ્નેશ પાર્કમાં બળવંતભાઈ નાગજીભાઈ વાઘેલાના મકાનમાં ભાડેથી રહે છે અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. છ દિવસ પૂર્વે દિનેશભાઈ પોતાના પરિવાર સાથે મકાનના ઉપરના રૂમમાં સુતા હતાં ત્યારે તેમના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં. ત્રણ પુત્રી, પુત્ર અને દંપતિને રૂમમાં ઉંઘતા રાખી બહારથી દરવાજો બંધ કરી તસ્કરો નીચેના રૂમમાં શેટીમાં રાખેલા રૂપિયા એક લાખ રોકડા તથા સોના ચાંદીના દાગી મળી રૂા.2.80 લાખની મત્તા ચોરી ગયા હતાં.
દિનેશભાઈના પુત્રને સવારે સ્કૂલે જવાનું હોય સવારે 5 વાગ્યે પરિવાર જાગ્યો ત્યારે રૂમનો દરવાજો બહારથી બંધ હોય તેમને દેકારો કર્યો હતો અને બારીમાંથી પાડોશીને જગાડયા હતાં. પાડોશીએ ઘરે આવીને તપાસ કર્યુ તો નીચેના રૂમના દરવાજા ખુલ્લા જોવા મળ્યા હતાં. ઉપરના રૂમમાં પુરાયેલા દિનેશભાઈ સહિતના પરિવારને દરવાજો ખોલીને બહાર કાઢયા હતાં. દિનેશભાઈએ તપાસ કરતાં રોકડ અને દાગીના સહિત 2.80 લાખની મત્તા ચોરી થઈ હોય જે મામલે પોલીસને જાણ કરતાં મેટોડા પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ યુ.આર.ડામોર સહિતનો સ્ટાફ જીગ્નેશ પાર્ક ખાતે દોડી ગયો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આસપાસના સીસીટીવીના આધારે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ શરૂ કરી છે. પોલીસે ચોરીના બનાવમાં ડોગસ્કવોડ અને ફિંગરપ્રીન્ટ નિષ્ણાંતોની પણ મદદ લીધી હતી.