પડધરીમાં પોલીસ સ્ટેશન પાસે ચાર દુકાનોમાં તસ્કરો ત્રાટકયા
પડધરીમાં પોલીસ સ્ટેશન નજીક જ એક સાથે 4 દુકાનમાં ચોરીનો બનાવ બનતા પોલીસની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પડધરીમાં ચાર દુકાન માંથી તસ્કરો 25 હજારની મતા ચોરી ગયા હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ પડધરીમાં મેઈન રોડ ઉપર એક સાથે 4 દુકાનોના તાળા તૂટયોનો બનાવ સામે આવતા વેપારીઓમાં ભારે ચર્ચા વ્યાપી હતી. પોલીસ મથકથી 200થી 300 મીટરના એરિયામાં જ બનેલી આ ઘટનાને લઈને રાત્રે પોલીસ પણ સુઈ જાય છે? એવા લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા.આ મામલે રાજકોટના અયોધ્યા ચોક પાસે ઓસ્કાર સ્કાઈ પાર્કમાં રહેતા વેપારી કિશન રાજેશભાઈ કોટેચાએ ફરિયાદ નોંધાવતી હતી. પડધરી મેઈન બઝારમાં આવેલ કૃપા મેન્સવેર તેમજ બાલાજી ટેલીકોમ અને પોપટલાલ નટવરજી ની કરીયાણાની દુકાનને તસ્કરે નિશાન બનાવી હતી.
ચારેય દુકાનોના શટર ઉચાવી તસ્કરો ચોરી કરી ગયા હતા.જેમાં બાલાજી ટેલીકોમ માંથી 5 હજાર, કિશન રાજેશભાઈ કોટેચાની દુકાનના ટેબલના ખાના માંથી રૂૂ.10 હજાર તેમજ પોપટલાલ નટવરજી ની કરીયાણાની દુકાન માંથી 6 હજાર તેમજ સીસીટીવી કેમરાનું ડીવીઆર મળી 25 હજારની મતા ચોરી ગયા હતા. પડધરીમાં પોલીસ સ્ટેશન નજીક જ એક સાથે 4 દુકાનમાં ચોરીનો બનાવ બનતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ મામલે પોલીસે તપાસ શરૂૂ કરી છે.