બોટાદના પટેલ પાર્કના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા, 9.82 લાખ મતાની ચોરી
બોટાદના પાળીયાદ રોડ પર આવેલી પટેલ પાર્ક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું છે. અવસરભાઈ ધોળુના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ છે.
અવસરભાઈ અને તેમનો પરિવાર છેલ્લા 12 દિવસથી બહારગામ હતા. જે બાદ તસ્કરોએ આ તકનો લાભ લીધો હતો. તેમણે મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો. જૂના બિલો મુજબ રૂ. 7.37 લાખના સોના-ચાંદીના દાગીના અને રૂ. 2.45 લાખ રોકડાની મળી કુલ રૂૂ. 9.82 લાખની ચોરી કરી છે. વર્તમાન સોનાના ભાવ મુજબ ચોરાયેલા દાગીનાની કિંમત રૂ. 22 લાખ થાય છે. આમ કુલ ચોરીનો આંકડો રૂ. 25 લાખ સુધી પહોંચી શકે છે.
ઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની ટીમે તપાસ હાથ ધરી છે. ડોગ સ્ક્વોડ અને ઋજક ટીમે પણ સ્થળ તપાસ કરી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે.
બોટાદ શહેરમાં બંધ મકાનોમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ચિંતા ફેલાઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.