જામકંડોરણાના રાજપરામાં SMCનો દરોડો, 500 પેટી દારૂ પકડાયો
જામકંડોરણાના રાજપરા ગામે ચાલતા દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આશરે 500 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. દારૂના કટીંગમાં બે શખ્સોની એસએમસીની ટીમે ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર સહિતના શખ્સો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. મળતી વિગતો મુજબ જામ કંડોરણા તાલુકાના રાજપરા ગામની સીમમાં દારૂનું કટીંગ ચાલતું હોય ત્યારે જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. ગાંધીનગર સ્ટેટમોનીટરીંગ સેલના દરોડાથી કટીંગ વખતે નાશભાગ મચી ગઈ હતી. આ દરોડામાં આશરે 500 પેટી દારૂ ઝડપાયો છે. આશરે 25 લાખથી વધુની કિંમતનો દારૂનો કબ્જો કરાયો છે. આ દરોડામાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ છે. જામ કંડોરણા પોલીસને અંધારામાં રાખીને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડતા સ્થાનિક પોલીસ સામે આગામી દિવસોમાં પગલા ભરાઈ શકે છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વખતથી રાજકોટ જિલ્લામાં બુટલેગરો સક્રિય થયા હોય અને મોટા પાયે દારૂની હેરાફેરી શરૂ કરી છે. ત્યારે આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય અને ડિવાયએસપી કે.ટી. કામરિયાની સુચનાથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે ડિસ્ટેજ બુટલેગરને ત્યાં દરોડો પાડ્યો હતો.
રાજપરા ગામની સીમમાં દારૂનો જથ્થો ઠાલવવામાં આવ્યો હોય અને ત્યાંથી કટીંગ કરીને દારૂ પહોંચાડવાનો હતો તે પૂર્વે જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના દરોડાથી સ્થાનિક પોલીસની ઉંઘ પણ હરામ થઈ ગઈ છે.
આ મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જેમાં આ દારૂનો જથ્થો સપ્લાય કરનાર સપ્લાયર તથા વાહન માલીક સહિતનાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.