લીંબડી હાઇવે ઉપર લોખંડના સળિયા ચોરી અને બાયો ડીઝલના નેટવર્ક ઉપર SMCનો દરોડો
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર લીમડી પાસે આવેલ વૃંદાવન હોટલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ભેળસેળયુક્ત ડિઝલનું વેચાણનું કૌભાંડ સાથે મહારાષ્ટ્રથી ગુજરાત આવતા ટ્રકોમાંથી લોખંડના સળિયા ચોરીનું કૌભાંડ પકડી પાડયું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામાં કુલ આઠ શખ્સોની ધરપકડ કરી રૂૂ.33.58 લાખનું ભેળસેળયુક્ત ડિઝલ તેમજ રૂૂ.1.24 કરોડ ના ચોરાઉ સળિયા સહિતનો મુદ્દામાલ કબજે કરી હોટલ માલિક સહીત સાતને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાય એસપી કે.ટી. કામરીયાની સુચનાથી પીઆઈ જી.આર. રબારીને મળેલી ચોકકસ બાતમીના આધારે લીમડી પાસે આવેલ વૃંદાવન હોટલમાં દરોડો પાડી ભેળસેળયુક્ત ડિઝલનું કૌભાંડ પકડી પાડયું હતું. સ્થળ પરથી 1500 લીટર ભેળસેળયુક્ત ડિઝલ, રૂૂા. 34800 રોકડા, પ મોબાઈલ ફોન, એક ટ્રક, 2 ટેન્કર, પશુચારાની 950 બેગ, બે ડિસ્પેન્સર અને એક મોટર મળી કુલ રૂૂા.33.58 લાખનો મુદ્દામાલ કબજે કરી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં લીમડીના રાસકા ગામના પૃથ્વીરાજસિંહ ફતુભા ઝાલા, વિશાલ ઘનશ્યામભાઈ જમોડ, પ્રકાશ વીરસંગભાઈ રાતોજ, ભાણવડ રણજીતપરાના ભીખાભાઈ સુધાભાઈ દેગામા અને ભાણવડના ગોપાલ જીણાભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી. જયારે મુખ્ય આરોપી રવિરાજસિંહ રણજીતસિંહ ઝાલા તેમજ ભેળસેળયુક્ત ડિઝલ સપ્લાય કરનાર અને હોટલ માલીક લીમડી સૌકાનો તન્વીરસિંહને એસએમસીએ વોન્ટેડ જાહેર કર્યા હતા.
એસએમસીના ડીવાયએસપી કે.ટી. કામરીયાએ જણાવ્યું કે ભેળસેળયુક્ત ડિઝલ રૂૂા.50માં ખરીદી રૂૂા.70માં વેચવામાં આવતું હતું. આ ભેળસેળયુક્ત ડિઝલનો મુખ્યત્વે ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે. સસ્તુ હોવાના કારણે હવે તેનો જૂના ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સની બસમાં ઉપયોગ કરવામાં આવે છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આ સાથે વૃંદાવન હોટલમાંથી મહારાષ્ટ્રથી ગુજરાત આવતા ટ્રકોમાંથી લોખંડના સળિયા ચોરીનું કૌભાંડ પકડી પાડયું હતું. જેમાં સ્થળ પરથી ચોરી કરેલા 2120 કિલો લોખંડના સળિયા 78,800 કિલો બીજા લોખંડના સળિયા, રૂૂા.21200ની રોકડ, 3 મોબાઈલ ફોન, 2વાહનો, અને સ્ટીલ કટર મશીન સહિત કુલ રૂૂા.1.24 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સ્થળ પરથી રાજસ્થાનના મુખ્ય આરોપી ચુનીલાલ ભેરાલાલ ગુર્જર, ટ્રક ડ્રાઈવર મુકેશ ખેતારામ જાટ અને પ્રકાશરામ લાલારામ જાટની ધરપકડ કરી હતી. જયારે રાજસ્થાનના જ ટ્રક ડ્રાઈવર છગનલાલ જાટ, લોખંડના સળિયા લેનાર કાનાભાઈ, પ્રભુભાઈ અને હોટલ માલીક તન્વીરસિંહને એસએમસીએ વોન્ટેડ દર્શાવ્યા હતા. એસએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપીઓ એક ટ્રકમાંથી અંદાજે 200 થી 500 કિલો લોખંડના સળિયાની ચોરી કરતા હતા.