ચોટીલા પાસે કટીંગ વખતે SMCનો દરોડો, 78.65 લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ઢાંકિયા ગામની સીમમાં દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા. 78.65 લાખની 6342 બોટલ વિદેશી દારૂ અને બે વાહન સહિત રૂાી. 1.13 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડામાં દારૂ મંગાવનાર નાની મોલડીનો બુટલેગર સહિત 8 શખ્સોના નામ એસએમસીએ ખોલ્યા છે. મળતી વિગતો મુજબ સાયલા નજીક ચોટીલા તાલુકાના ઢાંકિયા ગામની સીમમાં વીડ વિસ્તારમાં દારૂનું કટીંગ થતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય અને ડિવાયએસપી કે.ટી. કામરિયાની સુચનાથી પીએસઆઈ એસ.વી. ગરચર અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો.
એસએમસીના દરોડાથી દારૂના કટીંગ વખતે નાશભાગ મચી ગઈ હતી. સ્થળ ઉપરથી એસએમસીએ બે વાહનોમાં દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો. જેમાં રૂા. 78.65 લાખની કિંમતની 6,342 બોટલ તથા 35 લાખના વાહનો મળી 1.13 કરોડનો મુદદ્દામાલ કબ્જે કરી તપાસ કરતા આ દારૂનો જથ્થો મોલડીના દીલીપ બાવકુભાઈ ધાધલે મંગાવ્યો હતો. આ દરોડામાં ટાટા ટ્રક નંબર એમએચ 04 જીઆર 781નો ડ્રાઈવર, મહેન્દ્રા પીકઅપ જીજે 13 એએક્સ 3148નો ડ્રાઈવર તથા નાશી ગયેલ સ્કોર્પિયો કારનો ચાલક ઉપરાંત ટાટા ટ્રકનો માલીક મહેન્દ્રા પિકઅપનો માલીક અને દારૂનું કટીંગ કરનાર મજુરો કે જેઓ ફરાર થઈ ગયા હતા તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.