ગોંડલ પાસે ક્રિકેટ સટ્ટાના નેટવર્ક ઉપર SMCનો દરોડો, 4ની ધરપકડ
4 લાખનો મુદ્દામાલ કબ્જે, આઈડી આપનાર બુકી સહિત પાંચના નામ ખુલ્યા
રાજકોટ-પોરબંદર હાઈવે પર ગુંદાળા ચોકડી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ક્રિકેટ સટ્ટાનું મોટુ રેકેટ ઝડપી લઈ ગોંડલના ચાર શખ્સોની ધરપકડ કરી હતી. 6 લાખના માસ્ટર આઈડી સાથે રૂપિયા 45 હજારની રોકડ અને ચાર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડામાં માસ્ટર આઈડી આપનાર જૂનાગઢના બુકી સહિત પાંચના નામ ખુલ્યા છે. જેની ધરપકડ માટે એસએમસીએ તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટ ગોંડલ હાઈવે પર ગુંદાળાચોકડી પાસે ખેતલાઆપા ટી સ્ટોલ નજીક ક્રિકેટનો સટ્ટો રમાડતા ચાર શખ્સોને એસએમસીએ દબોચી લીધા હતાં. ગોંડલના બસ્ટેન્ડ પાસે સુમરા સોસાયટીમાં રહેતા આદીલ સત્તારભાઈ ચોટલિયા, ગુંદાળા રોડ પર વલ્લભ વાટિકા સોસાયટીમાં રહેતા મિતેશ પ્રવિણ મશરુ જે બન્ને ક્રિકેટ સટ્ટફો રમાડનાર મુખ્ય આરોપી છે. તેની સાથે સટ્ટો રમતા સુમરા સોસાયટીમાં રહેતા સાહિલ હનીફ પીરઝાદા તથા મદદગાર નદીમ અબ્દુલ ચોટલિયાની ધરપકડ કરી હતી. માસ્ટર આઈડી Allpanal777.nowમાં 6 લાખની બેલેન્સ સાથે 6 મોબાઈલ, ચાર વાહનો અને રોકડ સહિત ચાર લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ દરોડા સાથે તપાસમાં માસ્ટર આઈડી આપનાર મુખ્ય બુકી જૂનાગઢના વિજય ઉર્ફે ભગવાન સુધીર પોપટ તથા રાજકોટના ગ્રાહક ભુરો તેમજ કૌશીકભાઈનું નામ આપ્યું છે. આમ ગ્રાહક સહિત પાંચના નામ ખુલતા તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય સાથે ડીવાયએસપી કે.ટી. કામરિયાની સુચનાથી પીએસઆઈ એસ.એચ. ગઢવી અને તેમની ટીમે કામગીરી કરી હતી.
પડધરીમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા
પડધરીમાં આંબેડકરનગર પાસે પોલીસે દરોડો પાડી ક્રિકેટનો સટ્ટો રમતા મોરબીના ગુલાબ નગરના લતીફ દાઉદ જામ અને રાયધન દાઉદ જામની ધરપકડ કરી હતી. આ બન્ને શખ્સો પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચ ઉપર ગ્રાહકો સાથે સંપર્ક કરીને સટ્ટો રમતા અને રમાડતા હતાં બન્ને પાસેથી મોબાઈલ ફોન તથા રોકડ સહિત રૂપિયા 1.14 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બન્નેની પુછપરછમાં કપાત કોને આપતા હતા તે મામલે વધુ પુછપરછ શરૂ કરવામાં આવી છે.
--------