ભુજમાં ક્રિકેટ સટ્ટા ઉપર SMCનો દરોડો, રાજકોટના પંટર સહિત 16ના નામ ખુલ્યા
નામચીન બુકીની ધરપકડ, ત્રણ બુકી ફરાર 78 લાખના બેલેન્સવાળા માસ્ટર આઇડી સાથે સાહિત્ય કબજે
ભુજમાં સ્ટેટ મોનીટરીંગ સેલેની ટીમે ભારત અને ઓસ્ટ્રેલિયાની ચાલતી સેમિફાઇનલ મેચ દરમ્યાન કારમાં ચાલતા ક્રિકેટ મેચના સટ્ટાના રેકેટ ઉપર દરોડો પાડી ભુજના નામચીન બુકીની ધરપકડ કરી તેની પાસે રહેલા બે મોબાઈલમાં 78.92 લાખની બેલેન્સના માસ્ટર આઈડી કબજે કરી તપાસ કરતા ત્રણ બુકી અને રાજકોટ સહીત ગુજરાતના 16 જેટલા પંટરોના નામ ખુલ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડામાં 3 લાખની રોકડ સહીત રૂૂ.13.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કચ્છ ભુજ પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા થયેલી આ કાર્યવાહી થી સ્થાનિક પોલીસ સામે આગામી દિવસો માં પગલાં ભરવામાં આવે તેવી શક્યતા છે.
ભુજમાં ક્રેટા કારમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ચાલતી સેમિફાઇનલ મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો ચાલતો હોવાની માહિતીને આધારે એસએમસીના ડીઆઈજી નીર્લિત રાય અને ડીવાયએસપી કે.ટી. કામરીયા અને તેમની ટીમે ભુજના નામચીન બુકી પ્રમુખસ્વામી નગર ઓઢવ પાર્ક-2 ભુજમાં રહેતા મિત ઉર્ફે બાબુ કાન્તીલાલ કોટકની ધરપકડ કરી બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મિત પાસેથી 3 લાખ રોકડ અને મોબાઈલ તેમજ કાર સહીત રૂૂ.13.64 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
મિત કોટક પાસેથી મળેલા મોબાઈલમાં 78.92 લાખની બેલેન્સ સાથેનો માસ્ટર આઈડી વાળો મોબાઈલ ચેક કરવામાં આવતા માસ્ટર આઈડી વાળા હિમાંશુ કીલીનગર જેમાં રૂૂ. 45,34,188,મિત રાઠોડ જેમાં રૂૂ. 7,48,193 અને ગોપાલ ગઢવી જેમાં રૂૂ.26.10 લાખની બેલેન્સ વાળા આઈડી તેમજ નીરજ પરમારના નામ મળી આવ્યા હતા. આ ત્રણેય બુકી હોવાનું મીતે જણાવ્યું હતું. ઉપરાંત રાજકોટ સહિતના અલગ અલગ 16 પંટરો.જેમાં અક્ષય, દિપકભાઈ, ધવલભાઈ, જયભાઈ, જુનાસ પારસ, ધવલ, જીત રૂૂપારેલ, યુવરાજ, જીગર, સાહિલના નામ ખુલ્યા હતા. કચ્છમાં ખાસ કરીને ભુજ તેમજ ગાંધીધામમાં અમુક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના આશીર્વાદથી ક્રિકેટ સટ્ટા બેટિંગનું મોટું રેકેટ ચાલી રહ્યું હોવાનો લાંબા સમયથી ચર્ચા હતી.
ત્યારે આ અંગે ગુજરાત પોલીસના વડા ડીજીપીના તાબા હેઠળના સ્ટેટ મોનીટરીંગ સેલે દ્વારા દરોડો પાડવામાં આવતા પોલીસ બેડામાં પણ સોપો પડી ગયો હતો. દરોડામાં પકડાયેલ નામચીન બુકી મિત ઉર્ફે બબુ કોટક સ્થાનિક પોલીસ સાથે નજીકનો ઘેરબો ધરાવતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. હરતી ફરતી કારમાં ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા મિતના કોલ ડીટેઇલમાં સ્થાનિક પોલીસના કેટલાક સ્ટાફના નંબર મળી આવ્યા હોય આ દરોડા બાદ હવે કોની ઉપર કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.