ચોટીલા નજીક SMCનો દરોડો, રૂા.12 લાખના બાયોડીઝલ સાથે બે પકડાયા
હાઇવે ઉપર ધાબા પાસે છેલ્લા 3 મહિનાથી ઓરડીમાં બાયોડિઝલનો જથ્થો છુપાવી વેચાણ થતું હતું, સપ્લાયર સહિત બે શખ્સોના નામ ખુલ્યા
રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા નજીક ઓરડી ભાડે રાખી ચાલતા બાયોડિઝલના કારોબાર ઉપર સ્ટેટ મોનેટેરિંગ સેલે દરોડો પાડી 12 લાખના બાયોડિઝલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે સપ્લાયર અને મુખ્ય સુત્રધાર ફરાર થઇ જતા તેની શોધખોળ શરૂ કરી છે. સ્ટેટ મોનેટેરિંગ સેલે રૂા.25.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી આ બાયોડિઝલનો વેપલો ચાલતો હોવાનું જણાવા મળ્યું છે. આ દરોડા બાદ સ્થાનિક પોલીસ સામે પગલા લેવાઇ શકે છે.
ચોટીલા લીંબડી હાઇવે પર યુપી/બિહાર/ઝારખંડ ધાબાથી આગળ એક ઓરડીમાં બાયોડિઝલનું ગેર કાયદેસર વેંચાણ થતુ હોવાની બાતામીના આધારે સ્ટેટ મોનેટેરિંગ સેલે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં રૂા.12.11 લાખની કિંમતનું 16590 લીટર બાયોડિઝલ તેમજ ટ્રક અને 26 હજારની રોકડ સાથે સાત ટાંકીઓ જેમાં બાયોડિઝલનો જથ્થો સંગ્રહ કરવામાં કઆવ્યો હતો. તેમજ અન્ય મશીનરી કે જેના વડે બાયોડિઝલ વાહનોમાં ભરી દેવામાં આવતો હતો. તે સહિત રૂા.25.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સ્ટેટ મોનેટેરિંગ સેલના દરોડામાં ચોટીલાના શિવશક્તિ સોસાયટીમાં રહેતા વિજય દિનેશભાઇ સુરેલા તથા ઉપલેટાના કોલકી પાસે રહેતા ટ્રક ડ્રાઇવર દિનેશ ચનાભાઇ પરમારની ધરપકડ કરી હતી.
આ દરોડામાં મુખ્ય સુત્રધાર ચોટીલાના દિવ્યરાજ ઉર્ફે દેવુ સુરેશભાઇ વાડા અને આ બાયોડિઝલનો સપ્લાઇ કરનાર શખ્સનું નામ ખુલતા બંન્નેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સ્ટેટ મોનેટેરિંગ સેલના આઇજી આર.બી.બ્રહ્મભટ્ટ, ડી. આઇ. જી. નિર્લિપ્ત રાય તથા ડીવાયએસપી કે.ટી.કામળીયાની સૂચના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.ડી.બારોટ અને તેમની ટીમે કામગીરી કરી હતી.