ગોંડલના ભોજપરા ગામે દારૂના કટિંગ વખતે SMCનો દરોડો, 4.98 લાખનો દારૂ પકડાયો
નાસી છુટેલા પીકઅપ વાનના ચાલક, માલિક તેમજ દારૂનો જથ્થો મગાવનાર અને સપ્લાયર કરનાર પાંચ સામે ગુનો નોંધાયો : રૂા.7.98 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટનાં ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂા.4.98 લાખની કિંમતની 1418 બોટલ ભરેલી પીકઅપ વાન ઝડપી પાડી હતી. આ દરોડામાં પાંચ શખ્સો ફરાર હોવાનું પોલીસ ચોપડે દર્શાવવામાં આવ્યું છે. પોલીસે રૂા.7.98 લાખની મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી વિગતો મુજબ, ગોંડલ તાલુકાના ભોજપરા ગામની સીમમાં દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડયો હતો. રામાપીરના મંદિર પાસેથી જીજે 19 વાય 6225 નંબરની પીકઅપ વાનમાંથી રૂા.4.98 લાખની કિંમતની 1418 બોટલ દારૂ મળી આવ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આ દરોડામાં નાસી છુટેલા પીકઅપ વાનના ચાલક તેમજ પીકઅપ વાનના માલિક તથા ડ્રાઈવર અને દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર એમ પાંચ સામે ગુનો નોંધ્યો છે. આ દરોડામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્રણ લાખની કિંમતનું પીકઅપ વાન અને દારૂ સહિત રૂા.7.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ દરોડા વખતે ચાલક ફરાર થઈ ગયો હતો. પીકઅપ વાનમાં દારૂનો જથ્થો છુપાવીને કયાં લઈ જવાતો હતો ? તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય તથા ડીવાયએસપી કે.જી.કામળીયાની સુચનાથી પીએસઆઈ એ.વી.પટેલ અને તેમની ટીમે કામગીરી કરી હતી.