SMC પીઆઇના માતા-પિતાની લૂંટના ઇરાદે હત્યા
બનાસકાંઠાના લાખણીના જસરા ગામની ઘટના: હત્યારાઓ રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની શંકા, નિદ્રાધીન હાલતમાં જ દંપતિની કરપીણ હત્યા કરાઇ
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટરના વૃદ્ધ માતા-પિતાની ગત રાત્રે લૂંટારુઓ દ્વારા નિર્મમ હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો છે. લૂંટારુઓ એટલા ક્રૂર હતાં કે બંનેના ચહેરા પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ચીરી નાખ્યાં હતાં. આ ઘટનામા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ત્યારે લુટારૂઓ રાજસ્થાન બાજુ ભાગી ગયા હોવાની શંકા સેવાઇ રહી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ,સ્ટેટ મોનિટરીંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર અજમલ ચૌધરીના માતા હોશીબેન અને પિતા વર્ધાજી ચૌધરી વતન બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે રહેતા હતા. આજે સવારે જ્યારે તેમના ખેતરમાં કામ કરતો ભાગીદાર તેમના ઘરે પહોંચ્યો તો ઘરના આંગણામાં ખાટલમાં બંનેના મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતાં. જેથી તેણે આ અંગે બધાને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસકર્મીઓ, ડોગસ્ક્વોડ, એફએસએલની ટીમ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી હતી.
બનાસકાંઠાના એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, અમારા આગથળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જસરા ગામે આવેલ સીમાડામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. આ બનાવમાં વર્ધાજી મોતીજી પટેલ અને તેમના પત્નીની હત્યા કરવામાં આવી છે. વર્ધાજીનો પુત્ર પોલીસ ઈન્સપેક્ટર છે. મર્ડરમાં પ્રાથમિક વિગત એવી મળી છે કે, લૂંટારુ મહિલાના પગ કાપી કડલા કાપી લૂંટી ગયા છે. તેમજ કાનની બુટ્ટીઓ પણ કાપીને લઈ ગયા છે તથા ઘરમાં તિજોરી પણ તોડેલી છે.
એસ.પી. અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ એવું માની શકાય કે જે ઈસમો આવેલા હતા તેને ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે. અમે આ મામલે અલગ અલગ મોડસ ઓપેરન્ડીથી કામ કરી રહ્યા છીએ કે, આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે, એવી કોઈ ગેંગ છે કે જે કોઈ વિસ્તારમાંથી આવીને અંજામ આપતી હોય છે. તેના પર કામ કરી રહ્યા છીએ. એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમ તપાસ કરી રહી છે.આરોપીઓ લૂંટ કરી રાજસ્થાન બાજુ ભાગી ગયા હોવાની શંકા સેવાઇ રહી છે.
કોંગ્રેસ નેતા ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, જસરા ગામમાં હચમચાવતી ઘટનાના સામાચાર આવ્યા છે. હું બહાર હોવાથી ગામના કેટલાક મિત્રોના ફોન આવ્યા કે ગામની અંદર આ ઘટના બની છે. એક ખેડૂત ચૌધરી પરિવાર, બંને રાત્રીના સુમારે ઘરના ફળીયામાં સુતેલા હતા, ત્યારે રાત્રે અજાણ્યા શખ્સોએ આવીને વરધાજીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરેલો છે. એમના ધર્મ પત્નીના બે પગ પણ કાપવામાં આવ્યા છે, બંનેની ક્રૂર હત્યા કરી છે. જે પણ નાલાયકો હોય આવા શખ્સોને પકડીને તાત્કાલિક ગામ વચ્ચે આ લોકોને ફાંસી આપવી જોઈએ.
ચાંદીના કડલા માટે વૃધ્ધાનો પગ કાપી નાખ્યો
લાખણી તાલુકાનાં જસરા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલનાં પીઆઇનાં વૃધ્ધ માતા - પિતાની બેરેહમી પુર્વક લુટારૂઓએ હત્યા કરી નાખી છે આ ઘટનામા નિદ્રાધીન વૃધ્ધ દંપતીનાં ચેહરા પર તિક્ષ્ણ હથીયારનાં ઘા ઝીકી દીધા હતા. તેમજ વૃદ્ઘાએ પગમાં કડલા પહેર્યા હતાં તેથી તે લૂંટવા માટે પગમાંથી બહાર કાઢવાને બદલે તેના પગ જ કાપી નાખ્યા હતા અને કડલા લઇ ફરાર થઇ ગયા હતા. આ હત્યાની ઘટનામા બનાસકાંઠા પોલીસ સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.