લીંબડીમાં બંધ મકાનમાંથી છ તોલા સોનુ, દાગીના અને રોકડની ચોરી
લીંબડી રેલવે ફાટક સામેની સોસાયટીમાં રહેતો પરિવાર સુરેન્દ્રનગર લગ્ન પ્રસંગમાં ગયો ત્યારે તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. 6 તોલા સોના અને 60 ગ્રામ ચાંદીના દાગીના તથા રોકડા 1.50 લાખની ચોરી કરી ચોર ટોળકી ભાગી ગઈ હતી.
લીંબડી રેલવે ફાટક સામે આવેલી શિવશક્તિ નગરમાં રહી વણાટકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા દાનાભાઈ ખોડાભાઈ પરમાર તા.30 એપ્રિલે પરિવાર સાથે સુરેન્દ્રનગર રહેતી પરિણીત પુત્રી ઈલાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા. તા.2 મેના રોજ લગ્ન પ્રસંગ પૂર્ણ કરી દાનાભાઈ ઘરે પરત ફર્યા હતા. ઘરનો મુખ્ય મોટો દરવાજો ખોલી ફળિયામાં કાર પાર્ક કરી જોયું તો મકાનની અંદરના ડોરમાં લગાવેલું તાળું ગુમ હતું. રૂૂમમાં પ્રવેશીને જોયું તો પતરાની તિજોરી ખુલ્લી અને તેમાં રાખેલો સામાન વેરવિખેર હતો.
સાથે બાજુના રૂૂમમાં રહેલ લાકડાના કબાટમાં રાખેલી વસ્તુઓ, ઘરવખરી પણ અસ્ત વ્યસ્ત હતી. તિજોરીના લોકરમાં મૂકેલા 4 તોલા સોનાનો સેટ બુટ્ટી, 2 તોલા સોનાની 4 વીંટી, 2 ચૂક, 60 ગ્રામના ચાંદીના છડા તથા 1,50,000 રોકડા ગુમ હતા. ચોર ટોળકી સામે દાનાભાઈએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.