રૈયાધારમાં બે સાળા ઉપર બનેવી સહિત છ શખ્સોનો ધોકા-પાઇપથી હુમલો
રિસામણે આવેલી પિતરાઇ બહેનનું સમાધાન કરી લેવાનું કહેતા ઝઘડો થયો, મોબાઇલ તોડી નાખી ખુનની ધમકી આપી
શહેરના રૈયાધાર વિસ્તારમાં સાળા ઉપબ બનેવી સહિત છ શખ્સોએ ધોકા-પાઇપથી હુમલો કરી મોબાઇલ તોડી નાંખી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. રૈયાધારમાં સરકારી શાળા પાસે રહેતા ધના વશરામભાઇ બોળીયા (ઉ.વ.25)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મયુર ચાવડા, મેહુલ ચાવડા, સાગર ચાવડા, રવિ બોળિયા, રણછોડભાઇ અને હરીભાઇ ચાવડાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના મોટાબાપુ હમીરભાઇ બોળીયાની દિકરીના રિદ્ધિના લગ્ન મયુર ચાવડા સાથે થયા હતા અને રિદ્ધિ એક મહિનાથી રિસામણે આવી હતી.
દરમિયાન ગઇકાલે રાત્રે ફરિયાદીના પિતાએ રિદ્ધિબેનના સાસુ ગંગાબેનને ફોન કરી સમાધાન કરી લેવાનુ કહેતા તેઓ ફોનમાં બોલાચાલી કરવા લાગ્યા હતા જેથી ફોન કાપી નાંખ્યો હતો. બાદમાં આરોપીઓએ ઘરે પાસે આવી ઝઘડો કરી ફરિયાદોેને ગાળો આપી લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદી અને તેના પિતરાઇ ભાઇ વિશાલ વેલાભાઇ બોળીયાને ઇજા થળ હતી. આ ઉપરાંત વિશાલના મોબાઇલનો કાચ તોડી નાંખ્યો હતો. દરમિયાન આસપાસના લોકોના ટોળા એકઠા થઇ જતા આરોપીઓ નાશી છૂટ્યા હતા અને જતા-જતા મયુરે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસે મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ હુમલો-તોડફોડ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.