ઓનલાઈન જુગારને પ્રમોશન કરનાર વધુ છ ઈન્ફલુએન્સરની ધરપકડ
જુગારને પ્રોત્સાહન આપતા સોશિયલ મીડિયાના ઇન્ફલુએન્સર સામે કાર્યવાહી, સાયબર ક્રાઈમ અચાનક સક્રિય
છેલ્લા કેટલાય સમયથી યુવાધનને ઓનલાઈન ગેમ્બલિંગના રવાડે ચડાવતી લલચામણી જુદા જુદા માધ્યમોમાં તેમજ સોશિયલ મીડિયામાં પ્રકાશિત થતી જાહેરાત કરી જુગારની પ્રવુતને પ્રોત્સાહન આપનાર સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો સામે અચાનક રાજકોટ સાયબર ક્રાઈમ સક્રિય બની છે અને આજે વધુ છ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરોની ધરપકડ કરી હતી. સાયબર ક્રાઈમની ટીમે છેલ્લા બે દિવસમાં કુલ 8 જેટલા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ કાયર્વાહી કરી હતી. સાઇબર ક્રાઇમની પ્રાથમિક તપાસમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો દ્વારા ઓનલાઇન જુગારની સુવિધા પૂરી પાડતી વેબસાઈટ તેમજ એપ્લિકેશનની લીંક બાબતેનું પ્રમોશન કરી ઘર બેઠા લાખો રૂૂપિયાની આવક મેળવતા હોવાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઈમ બ્રાંચ છેલ્લા બે દિવસથી અચાનક એક્શનમાં આવી હતી અને ઓનલાઈન ગેમનું પ્રમોશન કરનારા લોકો સામે સાયબર ક્રાઈમે લાલ આંખ કરીને વધુ 6 લોકો સામે ગુનો નોંધ્યો છે. યુવાધનને ઓનલાઇન ગેમિંગના રવાડે ચઢાવતા વધુ 6 ઈન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સામે કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ બ્રાંચે ઓનલાઇન જુગારના રવાડે ચડાવતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નિલેશ ચાવડા,ભાવેશ રાઠોડ,લક્ષ્મણ જંજવાડીયા,સાગર છૈયા,ઇલેશ દેરવાડિયા,વિજય મજેઠીયા સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સાયબર ક્રાઈમની સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓનલાઇન ગેમ્બલિંગ બાબતેની વેબસાઈટ તેમજ એપ્લિકેશનની લીંક પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રમોશન કરી રહ્યા છે. જે બાતમીના આધારે સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવતા ગઈકાલે ઈન્સ્ટાગ્રામ આઈડી ધરાવનાર દીપ ગોસ્વામી અને ધાર્મિક વાઘાણી નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની ધરપકડ બાદ આજે વધુ છ ની ધરપકડ કરવામાં આવી છે. અને હજુ પણ બે સાયબર ક્રાઈમના રડારમાં હોવાનું જાણવા મળ્યું છે.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી ઓનલાઇન ગેમ્બલિંગનું પ્રમોશન કરી મહિને લાખો રૂૂપિયા કમાઈ રહ્યાં છે. ઓનલાઈન જુગારને લગતી ગેમને સોશિયલ મીડીયા ઉપર પ્રોત્સાહન આપવું ગુનો છે.જેના આધારે આ સાયબર ક્રાઈમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં પહેલી વખત સાયબર ક્રાઈમ પોલીસે આ પ્રકારની કાર્યવાહી કરી છે.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા,ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમના સીનીયર પી.આઈ જે.એમ.કૈલા સાથે પી.આઈ એમ.એ.ઝણકાટ,પી.આઈ બી.બી.જાડેજા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
પ્રમોશનના 7 થી 10 હજાર અને લિંક જોઈ જે ગેમ રમે તેનું કમિશન અલગથી
સાઇબર ક્રાઇમ પોલીસની પ્રાથમિક તપાસમાં જે તે ગેમ્બલિંગ વેબસાઈટ તેમજ એપ્લિકેશન સાથે સંકળાયેલા લોકો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો ઈન્સ્ટાગ્રામ તેમજ ટેલિગ્રામ મારફતે સંપર્ક કરતા હતા. સંપર્ક કર્યા બાદ તેઓ રીલ બનાવવાનું કહેતા હતા. તેમજ રીલ બનાવ્યા બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ આઈડી મારફતે જેટલા વ્યક્તિઓ પોતાનું ગેમ્બલિંગ વેબસાઈટ ઉપર આઈડી ક્રિએટ કરે તેમ જ હાર જીત કરે તે મુજબ તેમને કમિશન પણ આપવામાં આવતું હતું. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને બોલાવીને તેમની પૂછપરછ કરતા તેઓ ઓનલાઇન ગેમિંગ ના પ્રમોશન માટે રીલ બનાવતા હતા. તેમજ રીલ બનાવવા માટે અંદાજિત પ્રતિ રીલ 7,000 રૂૂપિયા જે તે ગેમ્બલિંગ એપ્લિકેશન તેમજ વેબસાઈટ સાથે સંકળાયેલા લોકો દ્વારા રૂૂપિયા આપવામાં આવતા હતા. તેમજ જ્યારે તેમના કોઈ ફોલોવર્સ તેમના ઈન્સ્ટાગ્રામ આઈડી મારફતે ગેમ્બલિંગ વેબસાઈટ તેમજ એપ્લિકેશનમાં આઈડી બનાવી રૂૂપિયાની હાર જીત કરે તે અંતર્ગત પણ તેમને કમિશન મળતું હતું. આમ, પોતાના માધ્યમથી અન્ય લોકો જ્યારે ઓનલાઇન ગેમ્બલિંગ સાથે વધુ અને વધુ જોડાતા હતા તેમ તેમ બંને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને વધુ અને વધુ કમિશન હાર જીત થતા મળતું હતું.